વાંકાનેર સ્ટેશનના બુકિંગ કર્મચારીએ વિખૂટી પડેલી સગીર બાળકીનું પરિવાર સાથે મીલન કરાવ્યું
કોમર્શિયલ કંટ્રોલ રૂમ અને સુરેન્દ્રનગર રેલવે સુરક્ષા બળની ત્વરિત કાર્યવાહી
અગ્ર ગુજરાત, વાંકાનેર
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે કર્મચારીઓની તત્પરતા અને માનવીય સંવેદનશીલતાનું એક અત્યંત પ્રશંસનીય ઉદાહરણ સામે આવ્યું છે. 31 ઓક્ટોબર, 2026ના રોજ ટ્રેન નંબર 15667 ગાંધીધામ–કામાખ્યા એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પોતાના પરિવારથી વિખૂટી પડી ગયેલી 14 વર્ષીય બાળકી રાની કુમારીને રેલવે કર્મચારીઓના ત્વરિત સંકલનથી સુરક્ષિત રીતે તેના પરિવારજનો સાથે મેળવી દેવામાં આવી.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, કટિહાર જવા માટે એક પરિવાર વાંકાનેર સ્ટેશને ટ્રેન નંબર 15667માં ચઢી રહ્યો હતો. ભારે ભીડના કારણે 14 વર્ષીય બાળકી રાની કુમારી તો કોચ એસ-6માં ચઢી ગઈ, પરંતુ તેના માતા-પિતા અને ભાઈ ટ્રેનમાં ચઢી શક્યા નહીં અને ટ્રેન રવાના થઈ ગઈ.
બાળકીના પિતા રાજુ, જે મૂક-બધિર (દિવ્યાંગ) છે, તેમણે વાંકાનેર સ્ટેશનના બુકિંગ કાર્યાલય પહોંચીને ડ્યુટી પર તૈનાત બુકિંગ કર્મચારી જૈમીન ત્રિવેદીનો સંપર્ક કર્યો. ત્રિવેદીએ તેમની પરિસ્થિતિ અને બાબતની ગંભીરતાને તુરંત સમજીને સમય ગુમાવ્યા વિના રાજકોટ ડિવિઝનના કોમર્શિયલ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી.
માહિતી મળતાં જ કંટ્રોલ રૂમમાં તૈનાત આશિષ મુલુયાણીએ તરત જ સુરેન્દ્રનગર રેલવે સુરક્ષા બળ (RPF) અને સુરેન્દ્રનગરના મુખ્ય ટિકિટ નિરીક્ષક એસ. એલ. મીણાને સતર્ક કર્યા. ટ્રેન સુરેન્દ્રનગર પહોંચતા જ સંબંધિત કર્મચારીઓએ એસ-6 કોચમાં સઘન તપાસ કરીને બાળકીને સુરક્ષિત શોધી કાઢી અને તુરંત ફોન પર પરિવારજનો સાથે વાત કરાવીને તેમને ધરપત આપી.
ત્યારબાદ બાળકીને ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ દ્વારા આરપીએફ જવાનોની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે વાંકાનેર લાવી પરિવારજનોને સોંપવામાં આવી.


