કબા ગાંધીના ડેલા સહિતની બાપુની વિરાસતનો વહિવટ હવે સાંસ્કૃતિક વિભાગને સોંપાયો
શિક્ષણ વિભાગ હસ્તકથી વહિવટી પરત લેતી ગુજરાત સરકાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા ગુજરાતના પરમ પવિત્ર અને ઐતિહાસિક સ્મારકોના વહીવટી માળખામાં રાજ્ય સરકારે ખૂબ મોટો નીતિવિષયક ફેરફાર કર્યો છે. અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમ તેમજ રાજકોટના ઐતિહાસિક ‘કબા ગાંધીનો ડેલો’ સહિતના ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત સ્થાનોનો વહીવટ હવે શિક્ષણ વિભાગ પાસેથી લઈને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિધિવત સત્તાવાર ઠરાવ બહાર પાડીને તમામ સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના સત્તાવાર જાહેરનામા અનુસાર, ગાંધીજીના વિચારો, મૂલ્યો અને સ્મૃતિઓ સાથે સંકળાયેલા ઐતિહાસિક સ્થાનોનું સંચાલન અત્યાર સુધી શિક્ષણ વિભાગ હેઠળ થતું હતું. જોકે, આ સ્મારકોનું સાંસ્કૃતિક અને પ્રવાસન દ્રષ્ટિએ વધુ બહેતર વ્યવસ્થાપન થાય તે હેતુથી આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી અમદાવાદના સુપ્રસિદ્ધ સાબરમતી આશ્રમ પરિસર સાથે જોડાયેલી સંબંધિત કામગીરી અને રાજકોટમાં મહાત્મા ગાંધીનું બાળપણ જ્યાં વીત્યું હતું તે ઐતિહાસિક ‘કબા ગાંધીનો ડેલો’ સંપૂર્ણપણે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સીધા કાર્યક્ષેત્ર હેઠળ આવશે.
આ વહીવટી ફેરફાર સરળતાથી અમલમાં મૂકી શકાય તે માટે બજેટની વ્યવસ્થા અંગે પણ ઠરાવમાં વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2026-27 ના સંક્રમણકાળ દરમિયાન શિક્ષણ વિભાગ પોતાના અંદાજપત્રમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગને જરૂરી ગ્રાન્ટ અને બજેટ ફાળવશે અને નાણાકીય વર્ષ 2027-28થી નવા વિભાગે પોતાના અંદાજપત્રમાં આ સ્મારકો અને ટ્રસ્ટના સંચાલન તેમજ વિકાસ કાર્યો માટે સ્વતંત્ર બજેટની જોગવાઈ કરવાની રહેશે.
વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક ઓળખ મજબૂત કરવાનો ઉદ્દેશ
સાબરમતી આશ્રમ માત્ર ગુજરાત કે ભારત પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાંથી શાંતિ અને અહિંસાના ઉપાસકો માટે એક મોટું પ્રેરણા કેન્દ્ર છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. આવા સમયે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક વહીવટ આવવાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગાંધીવાદી વિચારધારાના પ્રચાર-પ્રસાર, યુવા પેઢીમાં બાપુના મૂલ્યોના સિંચન તેમજ સ્મારકોની વૈશ્વિક જાળવણીને વધુ વેગ મળશે. સરકારના આ વહીવટી નિર્ણયથી ગાંધી વિરાસતનું જતન વધુ અસરકારક રીતે થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


