જામનગરની સાયચા ગેંગ સામે ગુજસીટોક, છ આરોપીઓની કરાઈ ધરપકડ
૭૬થી વધારે ગુનામાં સંડોવણી, ગેરકાયદે મિલકત જપ્ત કરાઈ
અગ્ર ગુજરાત, જામનગર
જામનગરના બેડી વિસ્તારમાં 13 માર્ચ 2024ના રોજ એડવોકેટ હારુન પાલેજાની થયેલી ઘાતકી હત્યા પાછળ જવાબદાર કુખ્યાત ‘સાયચા ગેંગ’ વિરૂદ્ધ જામનગર પોલીસે કાયદાનો કોરડો વીંઝ્યો છે. જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી. પી.આઈ. વી.બી. ચૌધરીની ફરિયાદના આધારે આ સંગઠિત ગુનાહિત ટોળકી સામે ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ – ગુજસીટોક (GUJCTOC Act) હેઠળ ગુનો દાખલ કરી 6 રીઢા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હત્યા, ખંડણી અને કરોડોની જમીનો પચાવી પાડવા સહિત 76 જેટલા ગંભીર ગુનાઓ આચરી પ્રજામાં ભય ફેલાવતી આ ગેંગની ગેરકાયદે મિલકતો જપ્ત કરવા સુધીના કડક પગલાં ગૃહ વિભાગની સૂચનાથી લેવામાં આવી રહ્યા છે
જામનગર જિલ્લામાં લાંબા સમયથી આતંક, ભય અને ત્રાસનું વાતાવરણ ઊભું કરનારી કુખ્યાત ‘સાયચા ગેંગ’ વિરુદ્ધ જામનગર પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. એજાજ ઉમર સાયચા અને રજાક નુરમામદ સાયચા દ્વારા ચલાવવામાં આવતી આ સંગઠિત ગુનાહિત ટોળકી (Syndicate) વિરૂદ્ધ જામનગર એલ.સી.બી. (LCB) ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીની ફરિયાદના આધારે ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC ACT) 2015 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકની કલમ-3(1)(ii), 3(2), 3(4) તથા 3(5) હેઠળ ગુનો રજીસ્ટર કરી પોલીસે આ ટોળકીના 6 રીઢા આરોપીઓને હસ્તગત કરી લીધા છે.
સાયચા ગેંગના સભ્યો વર્ષોથી જામનગર અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતા. આ ટોળકી વિરૂદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 76 જેટલા ગંભીર ગુનાઓ રજીસ્ટર થયેલા છે.
પોલીસે ગુજસીટોકના ગુનામાં હાલ ગુલામ જુસબભાઇ સાયચા, મહેબુબ જુસબભાઇ સાયચા, અસગર જુસબભાઇ સાયચા, હનીફ નુરમામદભાઇ સાયચા, ઇમ્તીયાઝ નુરમામદભાઇ સાયચા, રજાક દાઉદભાઇ ચાવડા ઉર્ફે ‘રજાક સોપારી’ને સકંજામાં લીધા છે અને બસીર જુસબભાઇ સાયચા, સિંકદર નુરમામદભાઇ સાયચા, ઇમરાન નુરમામદભાઇ સાયચા, રજાક નુરમામદભાઇ સાયચા, એજાજ ઉમરભાઇ સાયચાની શોધખોળ હાથ ધરી છે.


