શહેરોમાં હવે રસ્તાઓ સિમેન્ટ કોંક્રીટના બનશે
મુખ્યમંત્રીની જાહેરાત : 3૦ થી ૪૦ ટકા ખર્ચ વધુ હોવા છતાં નિર્ણયને પ્રજાલક્ષી ગણાવાયો : ગ્રામ્ય વિસ્તારમાં પણ CC બનાવવા ચાલતી વિચારણા
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત સરકારે ચોમાસામાં વારંવાર રસ્તા તૂટી જવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના આંતરિક રસ્તાઓ હવે ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટ (CC Road)થી બનાવવાનો નિર્ણય લેવાયો છે. ખર્ચ 30થી 40 ટકા વધુ હોવા છતાં સરકારે પ્રજાહિતને પ્રાથમિકતા આપીને લાંબા ગાળાનો ટકાઉ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં માર્ગ વિકાસને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના આંતરિક રસ્તાઓ ડામરની જગ્યાએ સિમેન્ટ કોંક્રીટ (CC)થી બનાવવામાં આવશે. સરકારનું માનવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ડામરના રસ્તાઓ ઝડપથી તૂટી જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનો મરામત ખર્ચ કરવો પડે છે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)એ જણાવ્યું કે રાજ્ય સરકારે હવે ટૂંકાગાળાના સમારકામને બદલે કાયમી ઉકેલ પર ભાર મૂક્યો છે. આ નિર્ણયથી આગામી વર્ષોમાં શહેરી માર્ગ વ્યવસ્થા વધુ મજબૂત અને ટકાઉ બનશે.
સરકારનો નિર્ણય માત્ર મહાનગરો અને નગરપાલિકાઓ પૂરતો મર્યાદિત રહેશે નહીં. ગામતળમાં જ્યાં વરસાદી પાણીનો ભરાવો વધુ રહે છે તેવા વિસ્તારોમાં પણ તબક્કાવાર ડામરના રસ્તાઓને CC રોડમાં ફેરવવામાં આવશે. સુવિધાપથ યોજના હેઠળ હાલમાં પણ અનેક ગામોમાં CC રોડનું કામ ચાલી રહ્યું છે અને હવે તેનો વ્યાપ વધુ વધારવામાં આવશે.
આ ઉપરાંત ભારે વાહનવ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ CC રોડનું નિર્માણ કરવામાં આવશે. ઔદ્યોગિક વિસ્તારોમાં સતત ભારે ટ્રકો અને મલ્ટી-એક્સલ વાહનોની અવરજવર રહેતી હોવાથી ડામરના રસ્તાઓ ઝડપથી ખરાબ થઈ જાય છે. CC રોડ લાંબા સમય સુધી ભારે ટ્રાફિક સહન કરી શકે છે, જેના કારણે ઉદ્યોગોને પણ લાભ મળશે.
સરકારનું માનવું છે કે શરૂઆતમાં ખર્ચ વધુ થશે, પરંતુ ભવિષ્યમાં મરામત અને જાળવણી પાછળ થતા મોટા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. દર વર્ષે ચોમાસા બાદ રસ્તા સમારકામ માટે થતો ખર્ચ પણ ઘટશે અને નાગરિકોને વધુ સારી ગુણવત્તાના રસ્તાઓ મળશે. આ નિર્ણય રાજ્યના શહેરી વિકાસ, પરિવહન વ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે તેવી સરકારને આશા છે.


