128 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જામનગરના વેપારી પિતા-પુત્રને હાઇકોર્ટમાંથી રાહત
21 બોગસ પેઢીઓ મારફત રૂ.23.08 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના આરોપમાં સ્ટેટ GSTએ કરી હતી ધરપકડ; કડક શરતો સાથે સુરેશ શાહ અને આયુષ શાહને જામીન
અગ્ર ગુજરાત, રાજકોટ
રૂ.128.24 કરોડના બોગસ બિલિંગ અને રૂ.23.08 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના આરોપમાં જેલમાં બંધ જામનગરના બ્રાસ તથા મેટલ સ્ક્રેપના વેપારી પિતા-પુત્રને ગુજરાત હાઇકોર્ટમાંથી રાહત મળી છે. સ્ટેટ જીએસટી વિભાગે ધરપકડ કરેલા સુરેશ શાહ અને તેમના પુત્ર આયુષ શાહની જામીન અરજી મંજૂર રાખી હાઇકોર્ટે બંનેને કડક શરતોને આધીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સ્ટેટ જીએસટી વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે જામનગરમાં વેપારીઓનાં ધંધાકીય સ્થળો અને રહેણાંક મકાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિભાગને 21 બોગસ પેઢીઓ મારફત રૂ.128.24 કરોડના બિલો ઊભા કરી રૂ.23.08 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હોવાની વિગતો મળી હતી. વિભાગના આક્ષેપ મુજબ, આ પેઢીઓએ વાસ્તવમાં કોઈ માલની હેરફેર કર્યા વગર માત્ર બિલો ઇશ્યૂ કરીને ખોટી વેરાશાખ તબદીલ કરી હતી. આ વેરાશાખ સુરેશ શાહની માલિકીની મે. મંડોવરા ટ્રેડિંગ કંપનીમાં લેવામાં આવી હોવાનો અને કંપનીના વ્યવહારો તેમના પુત્ર આયુષ શાહ સંભાળતા હોવાનો વિભાગનો દાવો હતો. આ મામલે બંને સામે જીએસટી કાયદાની કલમ 132(1)(બી) અને 132(1)(સી) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
જેલમાંથી મુક્ત થવા માટે પિતા-પુત્રએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. બચાવપક્ષે દલીલ કરી હતી કે જીએસટી વિભાગે કલમ 132(1)(સી)નું ખોટું અર્થઘટન કરીને ધરપકડ કરી છે. વેપારીઓએ ખરીદેલો માલ વાસ્તવમાં મેળવ્યો હતો અને તેની ચુકવણી પણ બેંકિંગ ચેનલ મારફત કરવામાં આવી હતી. વેચનાર વેપારીએ સરકારમાં વેરો ભર્યો ન હોય અથવા ખોટી વેરાશાખ તબદીલ કરી હોય તો જીએસટી કાયદાની કલમ 16(2)(સી) હેઠળ વેરાશાખ નામંજૂર થઈ શકે, પરંતુ માત્ર આ આધારે કલમ 132(1)(સી) હેઠળ ગુનો બનતો નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી. બચાવપક્ષે વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન વેપારીઓનાં ધંધાકીય સ્થળેથી મોટી માત્રામાં માલનો સ્ટોક મળી આવ્યો હતો, જે તેમના વાસ્તવિક વેપારનું સૂચક છે. આ ઉપરાંત કલમ 132(1)(બી) પણ આ કેસના સંજોગોમાં લાગુ પડતી ન હોવાની દલીલ સાથે સુપ્રીમ કોર્ટના જામીન અંગેના ત્રિપલ ટેસ્ટનો હવાલો આપવામાં આવ્યો હતો.
બીજી તરફ સ્ટેટ જીએસટી વિભાગે સોગંદનામું રજૂ કરી બંને વેપારીઓ ગંભીર આર્થિક ગુનામાં સંડોવાયેલા હોવાનો દાવો કર્યો હતો. તપાસ હજુ ચાલુ હોવાથી જામીન ન આપવા પણ રજૂઆત કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે બચાવપક્ષની રજૂઆતોને ધ્યાને લઈ સુરેશ શાહ અને આયુષ શાહને કડક શરતો સાથે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વેપારીઓ તરફથી ગુજરાત હાઇકોર્ટના ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા અને જયદીપ એમ. કુકડીયા રોકાયા હતા.


