સુપેડી રેલવે સ્ટેશને બે જોડી ટ્રેનોના વધારાના સ્ટોપેજનો ઐતિહાસિક શુભારંભ
સુપેડી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ મળવાથી સમગ્ર વિસ્તારવાસીઓ અને રેલ મુસાફરોમાં વ્યાપી ખુશીની લહેર
અગ્ર ગુજરાત, ઉપલેટા
ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી, ભારત સરકાર, ડૉ. મનસુખ માંડવિયાની ગરીમામય ઉપસ્થિતિમાં 18 ઓગસ્ટ 2026, મંગળવારના રોજ સુપેડી રેલવે સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને સુપેડી સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે બે જોડી ટ્રેનોના વધારાના સ્ટોપેજનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. આ ઉદઘાટન વેળાએ ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, રેલવેના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, સુપેડીના નાગરિકો, મુસાફરો તથા મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સુપેડી સ્ટેશન પર ટ્રેનોના આગમન પ્રસંગે સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેશન પર ઉપસ્થિત જનમેદનીએ કેન્દ્રીય મંત્રી અને જનપ્રતિનિધિઓનું ઉષ્માભર્યું અભિવાદન કરીને આ મહત્વપૂર્ણ સુવિધા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપીને ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ તેમજ ટ્રેન નંબર 59557/59560 પોરબંદર-ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને સુપેડી રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે.
સુપેડી રેલવે સ્ટેશન પર ટ્રેનોના નિર્ધારિત સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 59557 પોરબંદર-ભાવનગર પેસેન્જર સવારે 09:09 કલાકે આવીને 09:10 કલાકે રવાના થશે, જ્યારે વળતી દિશામાં ટ્રેન નંબર 59560 ભાવનગર-પોરબંદર પેસેન્જર સાંજે 19:32 કલાકે પહોંચીને 19:33 કલાકે પ્રસ્થાન કરશે. આ ઉપરાંત ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ સવારે 09:25 કલાકે આગમન કરી 09:26 કલાકે ઉપડશે તેમજ ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ સાંજે 18:12 કલાકે સુપેડી આવીને 18:13 કલાકે આગળના પ્રવાસ માટે રવાના થશે.
આ તમામ નવા સ્ટોપેજનો અમલ 18 ઓગસ્ટ 2026થી જ શરૂ થઈ ગયો છે. આ વધારાના સ્ટોપેજથી સુપેડી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને રાજકોટ, પોરબંદર અને ભાવનગર તરફ સરળ તેમજ સુવિધાજનક રેલ કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે. પશ્ચિમ રેલવે પ્રશાસન મુસાફરોની સુવિધા અને પરિવહન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રેલ સેવાઓના સતત વિકાસ માટે પ્રતિબદ્ધ છે.


