જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ
શહેર કોંગ્રેસે મામલતદારને આપ્યું આવેદનપત્ર પાઠવ્યું
અગ્ર ગુજરાત, જેતપુર
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિવાળા સ્થળે કેટલાક અસામાજિક તત્વો દ્વારા “શુદ્ધિકરણ” ના નામે હવન કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાના વિરોધમાં જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારને એક આવેદનપત્ર પાઠવીને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
જેતપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પી. ડોબરીયાની આગેવાનીમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મલ્લિકાર્જુન ખડગે સાહેબની ઉપસ્થિતિ રહેલા સ્થળે કેટલાક તત્વો દ્વારા “શુદ્ધિકરણ” ના નામે હવન કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ પ્રકારની ઘટના માત્ર એક વ્યક્તિનું અપમાન નથી, પરંતુ સમગ્ર દલિત સમાજ અને અનુસૂચિત જાતિના નાગરિકોના આત્મસન્માન પર સીધો પ્રહાર છે.
કોંગ્રેસ નેતાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને સમાનતા, માન-સન્માન અને ભેદભાવમુક્ત જીવન જીવવાનો અધિકાર આપે છે. તેમ છતાં, આજના આધુનિક યુગમાં પણ આવી જાતિવાદ, અસ્પૃશ્યતા અને “શુદ્ધિકરણ” જેવી માનવતા વિરોધી માનસિકતા સમાજમાં જોવા મળે તે અત્યંત નિંદનીય અને ચિંતાજનક બાબત છે. આ કૃત્ય બંધારણીય મૂલ્યોને ખુલ્લો પડકાર ફેંકે છે.
શહેર કોંગ્રેસ સમિતિએ મામલતદાર સમક્ષ માંગ કરી છે કે દલિતો અને અનુસૂચિત જાતિના નાગરિકો સામે ચાલતા જાતિવાદ, અસ્પૃશ્યતા અને ભેદભાવપૂર્ણ કૃત્યો કરનારા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. સામાજિક સમાનતા જળવાઈ રહે અને બંધારણીય મૂલ્યોનું રક્ષણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર અરજ કરવામાં આવી છે.


