પોલીસની કાર્યવાહીમાં બેવડી નીતિ
તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા
છોટા ઉદેપુરના ભાજપ સાંસદ જશુભાઈ રાઠવા અને તેના પુત્રનો હથિયાર સાથેનો વીડિયો વાયરલ થવા છતાં કાર્યવાહી નહીં કરાતા સામાન્ય લોકોમાં સવાલ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
હથિયારો સાથે વિડીયો વાયરલ કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવામાં પોલીસની બેવડી નીતિ સામે આવી રહી છે. તાલાલાના શખ્સે હથિયાર સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે છોટા ઉદેપુર જિલ્લાના ભાજપના સાંસદ જશુભાઈ રાઠવા અને તેના પુત્રનો હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો હોવા છતાં પોલીસે આંખ આડા કાન કરતા લોકોમાં પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા કર્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાંથી સોશિયલ મીડિયાના દુરુપયોગ અને કાયદો-વ્યવસ્થાને પડકારતા તત્વો સામે લાલ આંખ કરતી મોટી કાર્યવાહી સામે આવી છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હાથમાં ધારદાર છરી લહેરાવીને લોકોમાં ભય અને દહેશતનો માહોલ ઊભો કરતો વીડિયો વાયરલ કરનાર એક ઇસમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા પર રોફ જમાવવા અને આતંક ફેલાવવાના ઈરાદે અપલોડ થયેલા આ વીડિયોને પગલે પોલીસ હરકતમાં આવી હતી.
વીડિયો વાયરલ થતાં જ ગીર સોમનાથ એસ.ઓ.જી.ની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ હાથ ધરીને તાલાળા વિસ્તારમાંથી આ પરાક્રમ કરનાર આરોપીને આબાદ ઝડપી લીધો હતો. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી વીડિયોમાં દેખાતી લાલ અને કાળા હાથાવાળી ધાતુની તીક્ષ્ણ છરી પણ ગુનાના પુરાવા તરીકે કબજે કરી લીધી છે.
આ મામલે પકડાયેલા શખ્સ વિરૂદ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટની કલમ 135 મુજબ હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ સત્તાવાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર હથિયારોનું પ્રદર્શન કરીને સમાજમાં અશાંતિ કે ડરનો માહોલ ઊભો કરનારા તત્વોને સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે.


