ઉદ્યોગોને ૧૦૦ ટકા વીજળી મળશે : ડેટા સેન્ટર પોલીસી જાહેર
દરિયાના પાણીને મીઠુ કરવા ડિસેલીનેશન પ્રક્રિયાનો ઉપયોગ કરાશે : ધોલેરા બનશે વિશ્વનું સૌથી મોટુ ડેટા સેન્ટર હબ : રોકાણકારો માટે સિનિયર IASને જવાબદારી સોંપાશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત રાજ્ય હવે ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે એક ‘બ્રાન્ડ’ બની ગયું છે. ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે સેમિકન્ડક્ટર મિશનમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. ગુજરાત સરકારે હવે ‘ડેટા સેન્ટર પોલિસી’ જાહેર કરી છે, જે અંતર્ગત 7.5 ગીગાવોટની પોલિસી અમલી બનાવવામાં આવી છે. માત્ર ધોલેરામાં જ 10 ગીગાવોટના ડેટા સેન્ટર પ્રોજેક્ટ માટે પ્રસ્તાવ મળ્યા છે અને કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
મંત્રીએ જૂના સમયના ઈતિહાસને યાદ કરતા જણાવ્યું હતું કે, 1976માં સેમિકન્ડક્ટર અંગે નિર્ણય લેવાયો હતો પરંતુ 1990 આવતા તે મિશન નિષ્ફળ ગયું. હૈદરાબાદમાં સેમિકન્ડક્ટર પાર્ક માટે જાહેરાત થઈ પણ ત્યાં માત્ર બિલ્ડિંગ બનીને રહી ગયું. આનાથી વિપરીત, ગુજરાતમાં પ્રોજેક્ટના માત્ર 4 મહિનામાં જ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતની સ્થિર સરકાર અને પોલિસી-ડ્રિવન અભિગમને કારણે રોકાણકારો માટે તે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે.
ડેટા સેન્ટર માટે જરૂરી વીજળી અને પાણીની પૂર્તિ અંગે મંત્રીએ સ્પષ્ટતા કરી કે, ઉદ્યોગોને 100% વીજળી પૂરી પાડવામાં આવશે. પાણી માટે દરિયાના પાણીને મીઠું કરવાની ‘ડિસેલીનેશન’ પ્રક્રિયા દ્વારા ઉપયોગ કરવામાં આવશે, જેથી ખેડૂતોના પાણીનો હિસ્સો વપરાશે નહીં. ધોલેરા ખાતે વિશ્વમાં સૌથી વધુ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી છે. આ ઉપરાંત, ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સમાં ‘ગ્રીન એનર્જી’નો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.
રોકાણકારોને સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જે કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માંગે છે, તેમના માટે ખાસ સિનિયર આઈએએસ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે, જે કંપનીઓના કામો ઝડપથી પૂરા કરાવશે. ધોલેરા ખાતે એરપોર્ટ, સેમી-હાઈસ્પીડ ટ્રેન અને જીસીસી હેડક્વાર્ટર જેવા પ્રોજેક્ટ્સ પણ ઝડપથી આગળ વધી રહ્યા છે.
2 ગીગાવોટના લક્ષ્યાંકથી વીજ વપરાશમાં 10% વધારો થશે
સરકારના અંદાજ મુજબ, રાજ્યમાં ડેટા સેન્ટર ક્ષેત્ર માટે નક્કી કરાયેલા 2 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યાંક પૂર્ણ થતાં ગુજરાતના કુલ વીજ વપરાશમાં અંદાજે 10 ટકા એટલે કે 2,000 કરોડ યુનિટનો વધારો થશે. વધતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ટ્રાન્સમિશન નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.
2030 સુધી ગ્રીન એનર્જી ક્ષમતા ત્રણ ગણી કરવાનો લક્ષ્યાંક
ડેટા સેન્ટર ઉદ્યોગના વિસ્તરણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં પણ મોટું આયોજન હાથ ધર્યું છે. હાલ રાજ્યની ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતા આશરે 20,000 મેગાવોટ છે, જેને વધારીને 2030 સુધીમાં 60,000 મેગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.


