ભૂકંપને લઈને મોટી રાહત
2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય
ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરના ડાયરેક્ટર સંતોષકુમારનો દાવો, હળવા આંચકાથી ગભરાવાની જરૂર નથી
હિમાલયન પટ્ટામાં સૌથી વધુ સિસ્મિક જોખમી, ગુજરાતમાં ત્સુનામીની સંભાવના પણ અત્યંત ઓછી
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ દુનિયાભરમાં ભૂકંપ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. તેની અસરરૂપે ગુજરાતમાં પણ વર્ષ 2001ના વિનાશક કચ્છ ભૂકંપની યાદો તાજી થઈ છે અને લોકોમાં ફરી એવો જ ભૂકંપ આવી શકે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે. જોકે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરે આ આશંકાને મોટા ભાગે ફગાવી છે. કેન્દ્રના ડાયરેક્ટર સંતોષકુમારના જણાવ્યા મુજબ નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં વર્ષ 2001 જેવી વિનાશક તીવ્રતાનો ભૂકંપ આવવાની શક્યતા અત્યંત ઓછી છે.
તેમણે જણાવ્યું કે મોટા ભૂકંપ પાછળ ટેકટોનિક પ્લેટોમાં વર્ષો સુધી ઊર્જા સંગ્રહિત થતી રહે છે. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ જેવી શક્તિ ફરીથી એકત્રિત થવામાં અંદાજે 100થી 500 વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેથી હાલના સમયમાં એ પ્રકારના વિનાશક ભૂકંપની શક્યતા ખૂબ જ ઓછી ગણાય છે.
તાજેતરમાં વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપનું કારણ કેરેબિયન અને સાઉથ અમેરિકન ટેકટોનિક પ્લેટો વચ્ચે થયેલું જોરદાર ઘર્ષણ હોવાનું તેમણે જણાવ્યું. બંને પ્લેટોની ગતિથી ભારે ઊર્જા મુક્ત થતાં વિનાશક આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં પણ વર્ષ 2001નો ભૂકંપ ટેકટોનિક પ્લેટોની હિલચાલનું પરિણામ હતો, પરંતુ હાલમાં એવી સ્થિતિ સર્જાતી હોવાના કોઈ સંકેતો નથી. સિસ્મોલોજી સેન્ટર વર્ષ 2006થી સમગ્ર ગુજરાતમાં સતત ભૂકંપીય ગતિવિધિનું મોનિટરિંગ કરી રહ્યું છે. અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વરસાદ પછી જમીનની અંદર નાના કંપન નોંધાય છે, જે સામાન્ય રીતે 4 મેગ્નિટ્યૂડથી ઓછી તીવ્રતાના હોય છે. આવા આંચકા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાય છે, પરંતુ તે કુદરતી પ્રક્રિયાનો ભાગ હોવાથી ચિંતાજનક નથી.
સંતોષકુમારે વધુમાં જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ સિસ્મિક જોખમ હિમાલયન વિસ્તારમાં છે. ઉત્તર અને પૂર્વ ભારત સિસ્મિક ઝોન-4 અને ઝોન-5માં આવે છે, જ્યાં પ્લેટોની હિલચાલ વધુ સક્રિય હોવાથી મોટા ભૂકંપની શક્યતા રહે છે. તેની સરખામણીએ ગુજરાતમાં હાલ એવો ખતરો ઓછો છે.
ત્સુનામીના જોખમ અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે ત્સુનામી માટે દરિયાની અંદર 7થી વધુ તીવ્રતાનો ભૂકંપ અને પ્લેટોની ખાસ પ્રકારની ઊભી હિલચાલ જરૂરી હોય છે. ગુજરાતના દરિયાકાંઠા નજીક આવી સક્રિય ટેકટોનિક વ્યવસ્થા નથી. જોકે પાકિસ્તાન નજીક આવેલા ચમન ફોલ્ટ વિસ્તારમાં 1945માં ત્સુનામી જેવી ઘટના નોંધાઈ હતી, પરંતુ તેના વૈજ્ઞાનિક પુરાવા મર્યાદિત છે.
રાજ્યમાં ભૂકંપના જોખમને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોને અલગ-અલગ સિસ્મિક ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. કચ્છ સૌથી વધુ સંવેદનશીલ ઝોન-5માં છે, જ્યારે અમદાવાદ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટો વિસ્તાર ઝોન-3માં આવે છે. ગોધરા નજીકનો વિસ્તાર ઝોન-2માં સમાવાયો છે. રાજ્યના સરદાર સરોવર સહિત સાત મોટા ડેમ પર સિસ્મોલોજી સેન્ટર સતત નજર રાખી રહ્યું છે અને આગામી સમયમાં વધુ 20 ડેમને પણ મોનિટરિંગ હેઠળ લાવવાની યોજના છે.
2001 જેવા ભૂકંપની શક્યતા કેમ ઓછી?
મોટી તીવ્રતાનો ભૂકંપ આવવા માટે ભારે ઊર્જા જરૂરી.
આવી ઊર્જા એકત્રિત થવામાં 100થી 500 વર્ષ લાગે.
હાલ ગુજરાતમાં એવી સ્થિતિ સર્જાતી નથી.
વરસાદ પછી કેમ નોંધાય છે નાના આંચકા?
વરસાદ બાદ જમીનની અંદર દબાણમાં ફેરફાર થાય છે.
4 મેગ્નિટ્યૂડથી ઓછી તીવ્રતાના કંપન સામાન્ય છે.
નિષ્ણાતો મુજબ ગભરાવાની જરૂર નથી.
ગુજરાતના સિસ્મિક ઝોન
ઝોન-5 : કચ્છ
ઝોન-4 : કચ્છનો સરહદી વિસ્તાર
ઝોન-3 : અમદાવાદ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર
ઝોન-2 : ગોધરા નજીકનો વિસ્તાર
ભારતમાં સૌથી વધુ જોખમ ક્યાં?
હિમાલયન વિસ્તાર સૌથી સંવેદનશીલ.
ઉત્તર અને પૂર્વ ભારત ઝોન-4 અને ઝોન-5માં.
મોટા ભૂકંપની શક્યતા ત્યાં વધુ.
ત્સુનામી માટે શું જરૂરી છે?
દરિયામાં 7થી વધુ તીવ્રતાનો ભૂકંપ.
પ્લેટોની ઊભી દિશામાં હિલચાલ.
ગુજરાત નજીક આવી સક્રિય સ્થિતિ હાલ નથી.
ડેમ પર સતત નજર
સરદાર સરોવર સહિત 7 મોટા ડેમનું સતત મોનિટરિંગ.
ભૂકંપ બાદ તાત્કાલિક સ્થિતિનું મૂલ્યાંકન.
વધુ 20 ડેમને પણ દેખરેખ હેઠળ લાવાશે.
વેનેઝુએલામાં કેમ આવ્યો વિનાશક ભૂકંપ?
કેરેબિયન અને સાઉથ અમેરિકન પ્લેટ વચ્ચે ઘર્ષણ.
પ્લેટોની હિલચાલથી ભારે ઊર્જા મુક્ત થઈ.
ઉપરાઉપરી બે શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો.
નિષ્ણાતોની સલાહ
નાના આંચકાથી અફવાઓથી દૂર રહો.
માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો.
ભૂકંપ સુરક્ષા અંગે જાગૃત રહો અને આપત્તિ સમયે માર્ગદર્શિકાનું પાલન કરો.


