4.87 કરોડની છેતરપિંડી કેસમા અમહિલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
રોકાણકારોને નફાની લાલચ આપી કરોડોની છેતરપિંડીનો આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં કરોડો રૂપિયાની છેતરપિંડીના ચર્ચાસ્પદ કેસમાં આરોપી મહિમાબેન બીપીનભાઈ કકકડને સેશન્સ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. ચાર્જશીટ દાખલ થયા બાદ મહિમાબેને કરેલી નિયમિત જામીન અરજી નામદાર પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ મોબાઈલની ખરીદ-વેચાણના વ્યવસાયમાં ઊંચો અને આકર્ષક નફો અપાવવાની લાલચ આપી ફરિયાદી સહિત અનેક લોકોને વિવિધ રોકાણ યોજનાઓમાં પૈસા રોકાવવા પ્રેર્યા હતા. ત્યારબાદ અલગ-અલગ સ્કીમના નામે રોકાણકારો પાસેથી કુલ રૂ. 4.87 કરોડ એકત્ર કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપી મહિમાબેન બીપીનભાઈ કકકડે જીપીઆઈડી એક્ટ તથા અન્ય કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે પોલીસની વાંધા અરજી, કેસની ગંભીરતા, ચાર્જશીટમાં રજૂ કરાયેલા પુરાવા તેમજ અન્ય હકીકતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
બંને પક્ષોની દલીલો અને કેસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજકોટના નામદાર પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજે મહિમાબેન કકકડની જામીન અરજી નામંજૂર કરી હતી.
આ કેસમાં સરકાર તરફથી સરકારી વકીલ પરાગ એન. શાહ હાજર રહી અસરકારક રજૂઆત કરી હતી.


