- 13 તાલુકામાં અડધા ઈંચ સુધી વરસાદ પડ્યો
- સૌથી વધુ એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ અંજારમાં
- ત્રણ તાલુકામાં એક ઈંચ સુધી વરસાદ આવ્યો
ગુજરાત રાજયના 77 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં દોઢ ઈંચ સુધી વરસાદ આવ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી થઇ છે. કચ્છના અંજારમાં દોઢ ઈંચ વરસાદ તેમજ ત્રણ તાલુકામાં એક ઈંચ સુધી વરસાદ આવ્યો છે.
13 તાલુકામાં અડધા ઈંચ સુધી વરસાદ પડ્યો
13 તાલુકામાં અડધા ઈંચ સુધી વરસાદ પડ્યો છે. તેમજ રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભુમિ દ્વારકા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, ભાવનગર, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિત 16થી વધુ જિલ્લાના 69 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. આ દરમિયાન બનાસકાંઠાના વડગામમાં વિજળી પડતાં એક ખેડૂતનું મોત નિપજ્યું હતુ. ઉત્તર ગુજરાત અને કચ્છમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. બનાસકાઠા સહિતના વિવિધ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદના પગલે જરૂ, એરંડા, બટાકા તેમજ અન્ય શાકભાજી પાકમાં નુકશાનીનિ ભીતિ સેવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડયાં હતા. ખેડાના મહેમદાવાદ, માતર અને ખેડા તાલુકામાં સાંજના 6થી 8 વાગ્યા દરમિયાન અદધાથી એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
સૌથી વધુ એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ કચ્છના અંજાર તાલુકામાં
સૌથી વધુ એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ કચ્છના અંજાર તાલુકામાં પડતા ભર ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. એ સિવાય ભચાઉમાં 10 મીમી, ગાંધીધામમાં 7 મીમી, રાપરમાં 5 મીમી અને મુંદ્રામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. ધાનેરામાં 28 મીમી, ડિસામાં 21, ભાભરમાં 21, વડગામમાં 17, પાલનપુરમાં 9, દાંતિવાડામાં 9, અમીરગઢમાં 9, લાખણીમાં 7 એ સિવાય દિયોદર, કાંકરેજ, સુઈગામ, થરાદમાં પણ માવઠું થયું હતું.


