ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો
ગેંગ લીડર “રેમ્બો” સહિત 5 આરોપીઓ સામે પોલીસે ગુપ્તરાહે કાર્યવાહી કરી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં સંગઠિત ગુનાખોરી વિરુદ્ધ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પ્રોહીબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલી ટોળકી સામે ગુજસીટોક એકટ-2015 હેઠળ ગુનો નોંધીને ગેંગ લીડર સહિત 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ કાયદો વર્ષ 2015 માં અમલમાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ સંગઠિત ગુનાખોરી કરતી ટોળકીઓને કાબૂમાં લેવાનો છે. પોલીસ દ્વારા આ કાયદાનો ઉપયોગ કરીને ગીર સોમનાથમાં આ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ રાજપુત, પીએસઆઈ આકાશસિંહ સિંધવની ટીમે અતિ ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં ઈ-ગુજકોપ સિસ્ટમના આધારે મળેલી માહિતી પરથી વેરાવળનો કુખ્યાત બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બાની ટોળકીના ગુનાહિત જાળને ઉકેલવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ વેરાવળ અને પ્રભાસ પાટણ સહિત આસપાસના વિસ્તારોમાં આ ગેંગ વર્ષોથી સક્રિય હતી. ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યો તેમજ દિવ, દમણ અને ગોવા જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ મંગાવી તેનું સંગ્રહ કરીને વેચાણ કરી રહી હતી. આ ગેંગનો મુખ્ય સુત્રધાર રોહિત ઉર્ફે “રેમ્બો” બારીયા હોવાનું સામે આવ્યું હતુ. જે પોતાના સાગરિતો સાથે મળી મોટા પાયે દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. ગેંગ દ્વારા કમાયેલ કાળા નાણાં પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવતો ન હોવાના કારણે રાજ્યના અર્થતંત્રને નુકસાન પહોંચતું હતું.
જેથી પોલીસે ગેંગ લીડર સહિત કુલ 5 આરોપીઓને ઝડપી લીધા છે. જેમણે મળીને અનેક ગુનાઓ આચર્યા છે. જ્યારે એક આરોપી હજી ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. આ મામલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ડીવાયએસપીએ હાથ ધરી છે.


