વીરપુરમાં ખેતરમાં જ મરચીના પાકનું બેસણું યોજી ખેડૂતોએ ઠાલવી વેદના!
માવઠાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી.!: સતત બીજા દિવસે ભારે પવન સાથે કમોસમી વરસાદથી મરચીના ઉભા પાકને વ્યાપક નુકસાન
અગ્ર ગુજરાત, વીરપુર
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પંથકમાં સતત બીજા દિવસે કમોસમી માવઠાએ ધરતીપુત્રોની આશા પર પાણી ફેરવી દીધું છે. ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે ખેતરોમાં મરચીના ઉભા પાકના છોડ જમીનદોસ્ત થઈ ગયા છે, તો બીજી તરફ છોડ પરથી મરચીનો પાક ખરી પડતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પોતાની મહેનતથી તૈયાર કરેલો પાક કુદરતી આફતની ભેટ ચડી જતાં વીરપુરના ખેડૂતોએ ખેતરમાં જ મરચીના પાકનું બેસણું યોજી પોતાની વેદના વ્યક્ત કરી હતી અને સરકાર પાસે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માગ કરી છે.
વીરપુર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સિઝનની શરૂઆતથી જ વરસાદની અછતનો સામનો કરી રહેલા ખેડૂતો માટે પાક તૈયાર થયા બાદ વરસેલું માવઠું નવી આફત બનીને આવ્યું છે. ભારે પવન અને વરસાદના કારણે મરચીના છોડ ઢળી પડ્યા છે અને છોડ પર તૈયાર થયેલી મરચી પણ ખરી જતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. મરચી ઉપરાંત કપાસ, મગફળી અને તુવેર સહિતના પાકોમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
વીરપુરના ખેડૂત અરવિંદભાઈ વેકરીયાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમણે પોતાની આઠ વિઘા જમીનમાં મરચીનું વાવેતર કર્યું હતું. આ વર્ષે શરૂઆતથી જ વરસાદની અછતના કારણે વાવેતર અને ઉત્પાદન પર અસર થઈ હતી. ભારે મુશ્કેલીઓ વચ્ચે પાક તૈયાર કર્યો હતો. એક વિઘા દીઠ અંદાજે રૂ. 35 થી 40 હજાર જેટલો ખર્ચ કર્યો હતો, પરંતુ પાક તૈયાર થવાના સમયે જ ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે સમગ્ર પાકને બરબાદ કરી નાખ્યો છે. મરચી, કપાસ અને તુવેર સહિતના પાકને નુકસાન થતાં હવે ખેતી પાછળ કરેલો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સિઝનની શરૂઆતથી વરસાદની અછત અને બીજી તરફ પાક તૈયાર થવાના સમયે કમોસમી માવઠું, આવી બેવડી કુદરતી આફતે ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાં મૂકી દીધા છે. ખેતરમાં ઉભેલા પાકને બરબાદ થતો જોઈ ખેડૂતોની આંખોમાં નિરાશા અને વેદના જોવા મળી રહી છે.
ખેડૂતોએ કૃષિ મંત્રી સહિત સંબંધિત તંત્રને અપીલ કરી છે કે એસી ઓફિસોમાં બેસીને નહીં, પરંતુ ખેતરોમાં આવીને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે. વીરપુર પંથકમાં તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે હાથ ધરી નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે.
હવે જોવાનું એ રહ્યું કે માવઠાની આફતથી પાયમાલ થયેલા ખેડૂતોની વેદના તંત્ર સુધી ક્યારે પહોંચે છે અને નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને આર્થિક સહાય ક્યારે ચૂકવવામાં આવે છે


