ભાયાવદર પાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ પક્ષ દ્વારા સભાનો બહિષ્કાર
રોડ-રસ્તાના કામો અને લોકમેળામાં લાખોના ભ્રષ્ટાચાર મુદ્દે ચીફ ઓફિસર તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ
અગ્ર ગુજરાત, ઉપલેટા
ભાયાવદર નગરપાલિકાની સત્તાધારી બોડી દ્વારા કરવામાં આવતા મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના વિરોધમાં વિપક્ષે તા. ૩૦/૧૦/૨૦૨૬ના રોજ યોજાયેલી સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે. આ અંગે ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવીને ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી છે.
વિરોધ પક્ષે આક્ષેપ સાથે ફરિયાદ કરી છે કે સરકારની મળેલી ગ્રાન્ટમાંથી ગામના વિકાસના કામો પારદર્શક રીતે થતા નથી અને શહેરના રોડ-રસ્તાના કામોમાં નબળી ગુણવત્તા સાથે વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. પ્રજાના નાણાંનો દુરુપયોગ કરીને નગરપાલિકાનો વહીવટ કોઈ પ્રાઈવેટ પેઢીની જેમ મનસ્વી રીતે ચલાવવામાં આવે છે. વધુમાં, રોડ-રસ્તાના કામો અને લોકમેળાના આયોજનમાં વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર બંધારણીય રીતે અયોગ્ય કાર્ય કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, વિપક્ષ દ્વારા લેખિતમાં માંગણી કરવા છતાં કારોબારીના ઠરાવો કે અન્ય વિગતો આપવામાં આવતી નથી અને જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ પાછળથી ઠરાવો લખવામાં આવે છે. પત્રમાં એવી પણ ફરિયાદ કરાઈ છે કે જે લોકો ચૂંટાયેલા નથી તેઓ નિયમોની વિરુદ્ધ જઈને નગરપાલિકાની ઓફિસમાં આખો દિવસ બેસીને જાહેર મીટિંગો ભરે છે અને મનસ્વી વહીવટ કરે છે. ઉલ્લેખનીય છે કે ભાયાવદર નગરપાલિકાના વહીવટ બાબતે માંગવામાં આવેલી આરટીઆઈમાં (RTI) પણ ગોટાળો, ભ્રષ્ટાચાર અને ગોલમાલ ખુલવાના ભયથી હજારો રૂપિયાની ફી માંગવાના મામલાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં જ જનરલ બોર્ડમાં ભડાકો થતાં આગામી સમયમાં મોટા પાયે ધમાકો અને ગોલમાલ ખુલે તેવી શક્યતાઓ છે.
વારંવાર રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં વિરોધ પક્ષના નેતા નયનકુમાર જયંતીલાલ જીવાણી તેમજ ચૂંટાયેલા સદસ્યો દક્ષાબેન અનિલભાઈ રાડિયા, મામદભાઈ અબાભાઈ પટ્ટા, લલીતાબેન સંજયભાઈ પરમાર, લાખાભાઈ અમરાભાઇ ખાંભલા, અસ્મિતાબેન સંજયભાઈ ડઢાણીયા, નીરજ કુમાર અરવિંદભાઈ પિત્રોડા, નિમુબેન સુભાષભાઈ મકવાણા અને રાજેશભાઈ દેવાભાઈ ખાંભલાએ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે. આ લેખિત ફરિયાદની નકલ ગાંધીનગર ખાતે નગરપાલિકાઓના મુખ્ય કમિશનર, રાજકોટ આર.સી.એમ. કમિશનર અને રાજકોટ કલેક્ટરને પણ યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.


