ભાયાવદર પાલિકામાં ભ્રષ્ટાચાર અને ગોલમાલ ખુલી જવાના ડરથી માહિતીની અરજીઓ ટલ્લે ચડાવી
૨૪,૧૭૮ રૂપિયાની મનસ્વી ફી માંગતા ખળભળાટ : નવી બોડીના શંકાસ્પદ વહીવટમાં મોટો ગડબડ ગોટાળો ખુલવાની અને કેટલાયના તપેલા ચડવાની પ્રબળ શક્યતા
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા તાલુકાની ભાયાવદર નગરપાલિકામાં હાલની નવી બોડી આવ્યા બાદની કામગીરી અને કાર્યવાહી શરૂઆતથી જ શંકાના દાયરામાં રહી છે. આ મામલે જાગૃત નાગરિક આશિષ અશોકભાઈ લાલકિયાએ માહિતી અધિકારના કાયદા હેઠળ ત્રણ અલગ-અલગ અરજીઓ કરીને નગરપાલિકાનું સ્વભંડોળ, આવક-જાવકના હિસાબો, ઓડિટ રિપોર્ટ, વાહનોનો ઇંધણ ખર્ચ, ખરીદીના બિલો, ગ્રાન્ટ વપરાશ, વિકાસ કામોના ટેન્ડર, મટીરીયલ ટેસ્ટિંગ રિપોર્ટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, સામાન્ય સભાની વિડિયોગ્રાફી, એક કરોડથી ઉપરના ઠરાવો અને નવી ભરતી પ્રક્રિયા અંગેની વિસ્તૃત માહિતી માંગી હતી.
આ અરજીઓ પર લાંબા સમય સુધી કોઈ જ કાર્યવાહી કર્યા વિના, જાહેર માહિતી અધિકારીએ ખોટા ફોર્મમાં અધૂરા અને ભ્રામક જવાબો તૈયાર કર્યા હતા. જેમાં નિયમ મુજબ પાનાવાર ચોક્કસ ગણતરી આપ્યા વગર અને “ગણતરી ફેરફારને આધીન રહેશે” તેવી ગેરકાયદેસર શરત મૂકીને ત્રણેય અરજીઓમાં અનુક્રમે રૂ. ૨૦,૭૮૮/-, રૂ. ૩,૩૦૦/- અને રૂ. ૯૦/- મળી કુલ રૂ. ૨૪,૧૭૮/- ની તોતિંગ રકમ જમા કરાવવા મનસ્વી હુકમ કર્યો છે. વધુમાં, વિકાસ કામોની સાઇટ પર માહિતીના બોર્ડ લગાવવા અને સામાન્ય સભાની વિડિયોગ્રાફી અંગે “પરિપત્ર ધ્યાને નથી” તેવા ઉડાઉ જવાબો આપ્યા છે. ઉપરાંત જાવક નંબર વગરના પત્રો કચેરીમાં દબાવી રાખી, ભારતીય ટપાલ વિભાગને બદલે ખાનગી કુરિયર મારફત મોકલીને ગંભીર વહીવટી ગેરરીતિ આચરી છે.
લોકોમાં થતી ચર્ચા મુજબ, નગરપાલિકાના વહીવટમાં ચાલતી ગોલમાલ, ગડબડ ગોટાળો અને ભ્રષ્ટાચારની સાચી હકીકત બહાર ન આવી જાય તેમજ નાગરિકોમાં જાહેર ન થઈ જાય તેવા ડરથી ઈરાદાપૂર્વક હજારો રૂપિયાની રકમ માંગીને અરજીઓ ટલ્લે ચડાવવાનો પ્રયાસ કરાયો છે. માહિતી છુપાવવાનો આ બદઈરાદો જ નગરપાલિકામાં મોટા ગડબડ ગોટાળા થયા હોવાની વાતને વધુ મજબૂત બનાવી રહ્યો છે. હાલની બોડીના શાસનમાં આવતા દિવસોમાં મોટો ભ્રષ્ટાચાર ખુલે અને કેટલાયના તપેલા ચડે તેવી પ્રબળ શક્યતાઓ હોવાથી ડરના માર્યા માહિતી દબાવવાના પ્રયત્નો થયાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
માહિતી ન આપવાના ઈરાદાથી ટલ્લે ચડાવવાના આ જવાબો અને મનસ્વી રકમની માંગણી સામે અરજદારે રાજકોટ ઝોનના પ્રાદેશિક મ્યુનિસિપાલિટી કમિશનર કચેરીના પ્રથમ અપીલ અધિકારી સમક્ષ જડબેસલાક પુરાવાઓ સાથે ત્રણ પ્રથમ અપીલો દાખલ કરી છે. જેમાં તમામ માહિતી પૂરી પાડવા અને કસૂરવાર અધિકારી સામે દંડનાત્મક તેમજ ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આ મજબૂત કાયદાકીય લડતને પગલે આગામી સમયમાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પુરાવાના આધારે આગામી દિવસોને સમયમાં કડક કાર્યવાહી થવાની અને ટૂંક સમયમાં જ ઉચ્ચ કક્ષાએથી તપાસનો મોટો ધમાકો થવાની પૂરી સંભાવના સેવાઈ રહી છે.


