મેટોડામાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ફરાર આરોપી દાહોદથી ઝડપાયો
2.80 લાખના દાગીના અને રોકડ ચોરી કેસમાં એલસીબી-પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ગુનો રૂરલ પોલીસે ઉકેલી ફરાર આરોપીને દાહોદ જિલ્લાના ધાનપુરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરીના ગુનાની કાર્યવાહી કરી તેને મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મેટોડા જીઆઇડીસી ગેટ નંબર-1 પાસે જીગ્નેશ પાર્ક વિસ્તારમાં આવેલ બળવંતભાઈ નાનજીભાઈ વાઘેલાના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરે તાળું તોડી અંદર પ્રવેશ કરી દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 2.80 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું કે આ ચોરીમાં સંડોવાયેલ આરોપી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બિલિયા ગામે છુપાયો છે.
આ માહિતીના આધારે પોલીસ ટીમે ત્યાં દોડ કરી આરોપી નીતિન ગોપસિંગ મોહનિયાને તેના રહેઠાણ પરથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને મેટોડા જીઆઇડીસી પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઈ કે.એમ. ચાવડા તથા સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી પાર પડી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


