દ્વારકાના સતવારા સમાજની દિકરીએ અર્થશાસ્ત્રમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
રાજયપાલના હસ્તે પદક એનાયત કરી સન્માન કરાયું
અગ્ર ગુજરાત, દ્વારકા
દ્વારકાના પવિત્ર ધરતી અને સતવારા સમાજ માટે ગૌરવની ક્ષણ છે. ડૉ.વી.આર.ગોઢાણીયા કોલેજની તેજસ્વી વિદ્યાર્થિની વર્ષા ઈશ્વરભાઈ કણઝારિયાએ પોતાની મહેનત અને લગનથી શૈક્ષણિક જગતમાં સોનેરી સફળતા મેળવી છે.
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં અર્થશાસ્ત્ર વિષયમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવી વર્ષાએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ બદલ ગુજરાતના રાજ્યપાલના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
કહેવાય છે કે “દીકરી વહાલનો દરિયો છે”, પણ જ્યારે એ જ દીકરી પોતાની જ્વલંત સફળતાથી આખા સમાજ અને જિલ્લાનું નામ રોશન કરે, ત્યારે તે ગૌરવનું શિખર બની જાય છે. દ્વારકાની દીકરી *વર્ષા ઈશ્વરભાઈ કણઝારિયાએ આવી જ એક અવિસ્મરણીય સિદ્ધિ હાંસલ કરી છે. જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સાતમા પદવીદાન સમારોહમાં વર્ષાને અર્થશાસ્ત્ર વિષયમાં શ્રેષ્ઠ દેખાવ બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.
આ ભવ્ય સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વર્ષા કણઝારિયાને ગોલ્ડ મેડલ અને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલના હસ્તે સન્માનિત થવું એ કોઈપણ વિદ્યાર્થી માટે સ્વપ્ન સમાન હોય છે. વર્ષાએ આ સિદ્ધિ મેળવીને સાબિત કરી દીધું છે કે જો મનમાં મક્કમ નિર્ધાર અને સખત પરિશ્રમ કરવાની તૈયારી હોય, તો નાના નગરની દીકરી પણ આકાશને આંબી શકે છે.


