રાજકોટ અને સૌરાષ્ટ્રના લેઉવા પટેલોનું રાજકીય અસ્તિત્વ જોખમમાં : ચંદુ શિંગાળા
ભાજપના વિવિધ હોદા ભોગવી ચૂકેલા વરિષ્ઠ નેતાના લેટર બોમ્બથી રાજકારણમાં ગરમાવો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ જિલ્લા પંચાયતના રાજકારણ સક્રિય રહીને અલગ અલગ હોદ્દા ભોગવી ચૂકેલા ચંદુભાઈ શિંગાળાએ અચાનક લેટર બોમ્બ ફોડી ભાજપ માટે વધુ એક મુશ્કેલી સર્જી છે. સમાજ શ્રેષ્ઠીઓને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં ચંદુભાઈ જણાવે છે કે, આજે જાહેરજીવનના રાજકારણમાં લેઉવા પાટીદારોની કિંમત રાજકીય પક્ષો શું આંકે છે તે આપણા માટે ચિંતનનો વિષય છે.
છેલ્લા 25 વર્ષથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લેઉવા પટેલોનું રાજકીય અસ્તિત્વ જોખમમાં છે, હાલ કહેવાતા આગેવાનો ખરા સમયે લેઉવા સમાજનું હિત સાચવવામાં નિષ્ફળ રહ્યા છે અથવા તો જાણી જોઈને પોતાના અંગત સ્વાર્થ માટે મૌન રહ્યા છે અથવા તો મામકાઓની તરફેણ કરી છે. આવા સમયે હનુમાનજીની જેમ તાકાત ઓળખીને તેનો ઉપયોગ કરીને જરૂરી બને છે કે જ્યાં જ્યાં લેઉવા પટેલોના સક્ષમ લોકોને ઉપેક્ષિત ગવામાં આવ્યા છે ત્યાં ત્યાં અન્ય પક્ષોના આપણા સમાજના તાકાતવાળા આગેવાનોને સમાજે ખભા પર બેસાડીને વિજયી બનાવીને સત્તાધારી પક્ષને દિશાભાન કરાવવું જોઈએ.
શિંગાળાએ કેશુભાઈ પટેલ, શિવલાલ વેકરિયા, ગોવિંદ પટેલ, નીતિન પટેલ, આનંદીબેન પટેલ, વિઠ્ઠલ રાદડિયા, ગૌતમ તાળા, જયેશ રાદડિયા, રાઘવજી પટેલ સહિતના નામો લખી તેમને કદ પ્રમાણે વેતરી નાખ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
શિંગાળાએ પત્રના અંતમાં નોંધ લખી ગણાવ્યું હતું કે, 2002 પટેલ ઉત્કર્ષ સમિતિ આંદોલન, 2007 ગુજરાત પરિવર્તન પાર્ટીનું વાવાઝોડું કે 2012નું પાટીદાર અનામત આંદોલન હોય એ વખતે હર હંમેશ આપણો લેઉવા પાટીદાર સમાજ સત્તાધારી પાર્ટીની સાથે વફાદારી બતાવી છે. છતાં પણ સમાજની અવગણના. પણ હવે બસ બહુ થયું અવગણના સામેના યુદ્ધમાં સમાજનો વિજય એ જ આપણું લક્ષ્ય છે.


