આટકોટ પંથકમાં સાધુના વેશમાં ગાંજાનો વેપાર કરતો નામચીન શખ્સ ઝડપાયો
ગુંદાળા બસસ્ટેન્ડ પરથી રૂરલ SOG એ 4.24 લાખના 8.5 કિલો ગાંજા સાથે ઝડપી લીધો ; ઓરિસ્સાથી લાવ્યાની કબૂલાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના આટકોટ પંથકમાં સાધુના વેશમાં ગાંજાનું વેંચાણ કરવાના ઇરાદે ફરતો એક શખ્સ પોલીસના જાળમાં ફસાયો છે. રૂરલ એસઓજીની ટીમે ગુંદાળા બસસ્ટેન્ડ પાસે દરોડો પાડી નામચીન ઘનશ્યામ જોષીને મોટાપાયે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા “Say No To Drugs” અભિયાન અંતર્ગત માદક પદાર્થોના ગેરકાયદેસર વેપારને કાબૂમાં લેવા સૂચના આપવામાં આવી છે. આ અનુસંધાને એસઓજી પીઆઈ એફ.એ. પારગીની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આટકોટ-ભાવનગર હાઇવે પર ગુંદાળા બસસ્ટેન્ડ નજીક એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ઊભો હોવાનું ધ્યાનમાં આવતા તેને અટકમાં લેવામાં આવ્યો હતો.
પોલીસે પૂછપરછ કરતા તે વ્યક્તિ પાસે રહેલા સફેદ પ્લાસ્ટિકના થેલામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં આરોપી ઘનશ્યામ હર્ષદ જોષી (રહે. આટકોટ, રૂપારેલીયા શેરી) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પાસેથી કુલ 8.495 કિલોગ્રામ ગાંજો, જેની બજાર કિંમત આશરે રૂ. 4.24 લાખ થાય છે, જપ્ત કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું હતું કે તે ગાંજાનો જથ્થો ઓરિસ્સા રાજ્યમાંથી લઈને આવ્યો હતો અને આટકોટ તથા આસપાસના વિસ્તારોમાં છૂટકમાં વેચાણ કરવાનો ઈરાદો રાખતો હતો. પોલીસે આ આધારે આટકોટ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી એસઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી. ઝાલા, પી.બી. મિશ્રા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ તથા ચંદુભાઈ પલાળીયા સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી અગાઉ પણ દારૂના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હવે તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ કરી રહી છે.


