ગોંડલના ચોરડી નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ : ૨૫ ફૂટ ઊંચો ફૂવારો ઉડયો
ગામની શેરીઓ અને ખેતરમાં પાણી ભરાતા સ્થાનિકો-ખેડૂતોને હેરાનગતિ
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ તાલુકાના ચોરડી ગામ નજીક નેશનલ હાઈવે પર ચાલી રહેલી રોડ નિર્માણની કામગીરી આજે ગ્રામજનો માટે મુસીબત બનીને આવી હતી. નેશનલ હાઈવે બ્રિજ પાસે ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ભાદરના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું. જેને કારણે 25 ફૂટ જેટલો ઊંચો ફૂવારો ઉછળ્યો હતો. જેના પરિણામે લાખો લિટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું અને ગામની શેરીઓમાં અને ખુલ્લા ખેતરમાં પાણી ભરાય ગયું હતું.
ભર ઉનાળે જ્યારે તાપમાનનો પારો ઊંચો છે, ત્યારે પાઈપલાઈન ફાટતા જ પાણીના પ્રચંડ ફુવારા આકાશમાં ઊંચે સુધી ઉડ્યા હતા. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, આ આકર્ષક દેખાતા ફુવારા પાછળ લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો, જે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે.
નેશનલ હાઈવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જાણે નદી વહેતી હોય તેમ સીધો ચોરડી ગામમાં પ્રવેશ્યો હતો. ગામના મુખ્ય માર્ગો અને શેરીઓમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. અનેક રહેણાંક વિસ્તારોમાં કાદવ-કીચડવાળું પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કાદવ અને ગંદા પાણીને કારણે રહીશોનું ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે “એક તરફ ઉનાળામાં પાણીના ટીપે-ટીપા માટે વલખાં મારવા પડે છે, ત્યારે રોડ બનાવતી એજન્સીની ગંભીર બેદરકારીને કારણે ધોળે દહાડે લાખો લિટર પાણીનો બગાડ થયો છે. હાઈવેની કામગીરી પહેલા પાઈપલાઈનનું ધ્યાન કેમ ન રાખવામાં આવ્યું?”
ઘટનાને પગલે જેસીબી અને હિટાચી મશીનો દ્વારા પાણીના પ્રવાહને રોકવા માટે તાકીદે મથામણ શરૂ કરવામાં આવી હતી. જોકે, લાઈનમાં પ્રેશર વધુ હોવાથી પાણી રોકવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.


