અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી
અમદાવાદમાં મતગણતરી દરમિયાન એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઝપાઝપીનો માહોલ સર્જાયો હતો. મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ દરમિયાન પોલીસ અને ભાજપના બુથ એજ્ન્ટ વચ્ચે બબાલ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ, ભાજપના બુથ એજન્ટ પ્રવણસિંહ ડોડિયા અને પોલીસ અધિકારી વચ્ચે કોઈ બાબતને લઈને ચકમક થઈ હતી. જે બાદ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા પ્રવણસિંહ ડોડિયાને લાફો મારાતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. આ ઘટનાને પગલે વાસણા વિસ્તારના ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જે બાદ આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને પોલીસ અને એજન્ટને છૂટા પાડ્યા હતા. મતગણતરી કેન્દ્ર ખાતે થયેલી આ માથાકૂટને કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લઈને મતગણતરીની પ્રક્રિયા યથાવત ચાલુ રાખી હતી. ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.


