વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
SOGની ટીમે યુવક પાસેથી ગાંજાનો જથ્થો, વજન કાંટો સહિતનો મુદામાલ જપ્ત કર્યો
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં માદક નશાદ્રવ્ય પદાર્થોની હેરાફેરી અને વેચાણ રોકવા પોલીસ અભિયાન ચલાવી સતત કામગીરી કરી રહી છે. જે અંતર્ગત વેરાવળના શહેરી વિસ્તારના ગાર્ડનમાંથી હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને બાતમીના આધારે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ વિગતોનુસાર ગીર સોમનાથ SOG બ્રાન્ચની ટીમને મળેલ બાતમીના આધારે વેરાવળમાં વાણંદ સોસાયટીમાં આવેલ પબ્લીક બગીચામાં દરોડો પાડી નિલેશ સોહનલાલ મેહરા (ઉ.વ. 24, રહે. ભાલકા ચામુંડા સોસાયટી)ને ઝડપી લીધો હતો. તપાસ કરતા યુવકના કબ્જામાં રહેલ થેલામાં વનસ્પતિજન્ય હાઇબ્રીડ ગાંજાનો જથ્થો અને ઈલેક્ટ્રીક વજન કાંટો મળી આવ્યો હતો. જેથી ગાંજાના જથ્થાનું વજન કરતા 12.770 ગ્રામ હાઇબ્રીડ ગાંજો કિં. રૂ. 44,695 સહિત રૂ.50,095નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં યુવક સામે એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી), 20(બી)(2) (એ), 29 હેઠળ ગુનો નોંઘી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી યુવક પોતાના કબજામાં હાઇબ્રીડ ગાંજાનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરતો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ નશીલા પદાર્થોના હેરાફેરી વેંચાણના નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


