પૂર્વ મંત્રી મુળુ બેરાના પિતાની હત્યા કેસનો કુખ્યાત આરોપી વડાળી ગામેથી ઝડપાયો
હત્યા, ખૂની હુમલો અને આર્મ્સ એક્ટ સહિતના 13થી વધુ ગંભીર ગુનામાં સંડોવણી ; રેન્જ આઈજીની ટીમની કામગીરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટઃ પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાના પિતાની હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત આરોપી અલીમામદ ઉર્ફે પટપટીયો તૈયબ શેઠાને રાજકોટ રેન્જ પોલીસએ લાંબા સમયથી ચાલતી શોધખોળ બાદ ઝડપી પાડ્યો છે. આરોપી હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર હતો અને ઉપલેટાના વડાળી ગામની અવાવરું સીમ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ફરાર અને કુખ્યાત ગુનેગારો સામે ખાસ અભિયાન હાથ ધરાયું છે. આ કામગીરી દરમિયાન પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા સહિતની ટીમ આરોપીની શોધમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે અલીમામદને ઝડપી લઇ ભાયાવદર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ મુજબ ગત 30 માર્ચ, 2026ના રોજ પડવલા ગામે દીપેનભાઈ માકડીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી બાઈક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે આરોપી અલીમામદ, તેનો દીકરો નોમાન અને અન્ય ત્રણ શખ્સોએ થાર કાર વડે બાઈકને ટક્કર મારી પછાડી દીધા હતા. બાદમાં બેઝબોલના ધોકા અને પાઈપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને ત્યારથી અલીમામદ ફરાર હતો. પોલીસ રેકોર્ડ મુજબ આરોપી સામે હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી, આર્મ્સ એક્ટ અને બળાત્કાર જેવા 13થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાના પિતાની હત્યામાં પણ તેનું નામ ખુલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ પોલીસ અને સ્થાનિક તંત્રએ આરોપી દ્વારા સરકારી જમીન પર બનાવાયેલા આશરે એક કરોડ રૂપિયાના ગેરકાયદેસર આલીશાન બંગલાનું ડિમોલિશન કર્યું હતું. પડવલા ગામે માખીયાળા રોડ પર સરકારી જમીન પર ઉભેલા આ બાંધકામ સામે કાર્યવાહી એએસપી સીમરન ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.


