દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય અને આધુનિક બનાવવા હાઈ-લેવલની બેઠક મળી
ડ્રોન અને સાયબર હુમલાના નવા જોખમો પર અમદાવાદમાં ગહન મનોમંથન: વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા
અગ્ર ગુજરાત, અમદાવાદ
દેશની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય અને આધુનિક બનાવવા માટે ગુજરાતના અમદાવાદ ખાતે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
ભારતીય કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ પરમેશ શિવમણિની અધ્યક્ષતા હેઠળ 138મી ઓફશોર સિક્યુરિટી કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળ, વાયુસેના, ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ONGC અને દેશની અન્ય અગ્રણી ગુપ્તચર તેમજ સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓએ હાજરી આપીને રાષ્ટ્રીય સુરક્ષાના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ વ્યૂહાત્મક બેઠક દરમિયાન ખાસ કરીને ભારતના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ઓફશોર ઓઇલ એન્ડ ગેસ પ્લેટફોર્મની સલામતી વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ટેકનોલોજીના દુરુપયોગના કારણે ઉભા થતા અદ્યતન જોખમો, ખાસ કરીને ડ્રોન હુમલા અને સાયબર ધમકીઓ સામે સુરક્ષા કવચ કેવી રીતે મજબૂત કરવું તે અંગે રણનીતિ ઘડવામાં આવી હતી. બદલાતા વૈશ્વિક યુદ્ધ કૌશલ્યો અને પાણીની અંદર થતી તોડફોડ જેવી આધુનિક આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે ભારત હવે સજ્જ થઈ રહ્યું છે.
પ્રાપ્તથતી માહિતી અનુસાર બેઠકમાં હાજર અધિકારીઓએ હિંદ મહાસાગરમાં વધી રહેલી વ્યૂહાત્મક હિલચાલ અને બદલાતા ભૌગૌલિક-રાજકીય વાતાવરણ પર વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વ ધરાવતા આંદામાન અને નિકોબાર ટાપુઓની આસપાસના વિસ્તારોમાં અત્યાધુનિક દેખરેખ પ્રણાલી સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સ્થિતિમાં તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે ત્વરિત અને સંયુક્ત કાર્યવાહી થઈ શકે તે માટે મલ્ટી-એજન્સી સંકલનને સરળ બનાવવાનો સંકલ્પ લેવાયો હતો. આગામી સમયમાં ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ રાષ્ટ્રીય સુરક્ષા વ્યુહરચનાનો મુખ્ય સ્તંભ બનશે.


