SDRF દ્વારા બચાવમાં લેવાતા આધુનિક સાધનોનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય ટીલાળા
બોટમાં બેસી આજી ડેમના વિવિધ વિસ્તારની મુલાકાત લીધી, પીવાના પાણીની સમીક્ષા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક (DGP)ના માર્ગદર્શન હેઠળ ચોમાસા ઋતુ-2026ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ગ્રુપ-13, ઘંટેશ્વર (રાજકોટ) દ્વારા આજી ડેમ ખાતે લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ, બોટિંગ તથા વિવિધ રેસ્ક્યૂ ઓપરેશન્સની રિફ્રેશર તાલીમ યોજાઈ રહી છે. આ તાલીમ નાયબ પોલીસ અધિક્ષક એસ. ડી. ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. કોટડીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એ. ચુડાસમા, આર.પી. ખાંડીવાળ તથા વિ.એચ. ડાંગરની ટીમો દ્વારા લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ, ડીપ ડાઇવ, સ્પીડ બોટિંગ તેમજ બોટ મારફતે હાથ ધરાતી રાહત અને બચાવ કામગીરીની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમ દરમિયાન રાજકોટ શહેર વિધાનસભા બેઠક ક્રમાંક-70ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ આજી ડેમ ખાતે પહોંચી સમગ્ર તાલીમ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે SDRFની બોટ મારફતે ડેમના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રાજકોટ શહેર માટે સંગ્રહિત પીવાના પાણીની સ્થિતિ અંગે પણ જાત નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ધારાસભ્યએ SDRF દ્વારા ઉપયોગમાં લેવાતા આધુનિક અને અત્યાધુનિક બચાવ સાધનોનું પણ નિરીક્ષણ કર્યું હતું. જેમાં R.O.V. (Underwater Remote Operated Vehicle), ફાયર રેસ્ક્યૂ, ફ્લડ રેસ્ક્યૂ તથા બિલ્ડિંગ કોલેપ્સ જેવી કુદરતી અને માનવસર્જિત આફતોમાં ઉપયોગી મશીનરી અને સાધનોનો સમાવેશ થાય છે.
SDRF ટીમ દ્વારા વિવિધ આફતો દરમિયાન રાહત અને બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવામાં આવે છે તેનું જીવંત ડેમોન્સ્ટ્રેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ આ આધુનિક સાધનસંપન્ન અને વિશેષ તાલીમપ્રાપ્ત ટીમની કાર્યક્ષમતા નિહાળી, ઉપસ્થિત તમામ અધિકારીઓ અને જવાનોને માનવસેવા તથા આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે વધુ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ધારાસભ્યશ્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે ચોમાસા દરમિયાન કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક રાહત તથા બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા SDRF દ્વારા હાથ ધરવામાં આવતી આ પ્રકારની તાલીમ અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થશે.


