વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવા અમદાવાદના દંપતિએ ૧૫ લોકો સાથે કરી ૨૦ કરોડની ઠગાઈ
અમદાવાદના બંટી-બબલીની ધરપકડ: નેતાઓ અને અધિકારીઓ સાથેના ફોટા બતાવી લોકોને પોતાની જાળમાં ફસાવતા
અગ્ર ગુજરાત, અમદાવાદ
સરકારી અધિકારીઓ અને નેતાઓ સાથેના ફોટા બતાવી તેમજ ઓળખાણ હોવાનું કહી કામ કરાવી આપવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બંટી-બબલી અનિલ વિભાણી અને તેની પત્ની વિમી વિભાણીની અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતીએ વૈભવી લાઈફસ્ટાઈલ જીવવા માટે અત્યાર સુધીમાં 15 લોકોને પોતાનો શિકાર બનાવી 20 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપી પાસેથી રેન્જ રોવર અને મર્સિડીઝ કાર પણ કબજે કરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી ભૂતકાળમાં પથ્થરની ખાણ અને ટ્રક ડ્રાઈવરની નોકરી કરતો હતો અને લોકો સાથે છેતરપિંડી કરી લક્ઝુરિયસ લાઈફ જીવતો હતો. આરોપી વિરૂદ્ધ સુરતમાં તેની પ્રથમ પત્નીની હત્યા કરવાનો પણ ગુનો દાખલ છે.
આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપી હિમકરસિંહે જણાવ્યું હતું કે, ફરિયાદી હિરેન કુમાર કેનેડામાં PR માટે ગયા હતા. જ્યાં તેમની સાથે 24 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. તેઓ જ્યારે ભારત પરત આવ્યા ત્યારે આરોપી અનિલ વિભાણીએ તેમનો સંપર્ક કર્યો હતો. મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહી માયાવી જાળમાં ફસાવી તેણે હિરેન કુમાર પાસેથી 2.27 કરોડ પડાવ્યા હતા. આરોપીએ કોઈ કામ કર્યું નહીં અને રૂપિયા પણ પરત આપ્યા નહોતા.
આ ઠગાઈમાં અનિલ વિભાણીની સાથે તેની પત્ની વિમી વિભાણી પણ સામેલ હતી. વિમી ફરિયાદી સાથે સાડીઓની દુકાનમાં ગઈ હતી, જ્યાં તેણે 1 લાખ રૂપિયાની સાડીઓ ખરીદી અને પેમેન્ટ પણ ફરિયાદી પાસે કરાવ્યું હતું અને પૈસાની લેવડદેવડની વાતચીતમાં પણ તેની સક્રિય ભૂમિકા સામે આવી હતી.
અનિલ વિભાણી જાહેર કાર્યક્રમો અને સરકારી કચેરીઓમાં જઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, મહેસૂલ, સિંચાઈ, વીજળી વિભાગના અધિકારીઓ અને આર્મીના લેફ્ટનન્ટ જનરલ સાથે પડાવેલા ફોટા પોતાના મોબાઈલ ફોનમાં રાખતો અને ભોગ બનનારને બતાવી તેમનો વિશ્વાસ જીતતો હતો.
આરોપી અનિલ વિભાણી અગાઉ પથ્થરની ખાણમાં પથ્થર તોડવાનું કામ કરતો હતો અને તેણે લાંબા સમય સુધી ટ્રક ડ્રાઈવરની પણ નોકરી કરી હતી. વર્ષ 2010થી સુરતમાં તેણે ગુનાહિતી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી અને તેના વિરૂદ્ધ છેતરપિંડી, પ્રોહીબિશન તથા ધાક-ધમકી સહિતના 8 ગુનાઓ નોંધાયેલા છે.


