વડોદરા નજીક દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વે પર કાર-ટ્રકની ટક્કરમાં ચારના મોત
પરિવાર મહેસાણા તરફ જઇ રહ્યો હતો ત્યારે કાળ ભેટયો : ઇજાગ્રસ્ત થયેલા ચારને સારવારમાં ખસેડાયા
અગ્ર ગુજરાત, વડોદરા
વડોદરા પાસેથી પસાર થતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગત(6 જૂન) મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. સમિયાલા નજીક એક ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના મોત નીપજ્યા 4 લોકો સારવાર હેઠળ છે. પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો અને કાળ ભેટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, આ પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો, પરંતુ રસ્તો ભૂલી જવાને કારણે તેઓ અમદાવાદ તરફના રસ્તે નીકળી ગયા હતા. પાદરા રોડ તરફ જતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલમાં આ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે જોગેશ્વર બારડે જણાવ્યું કે તેમનો દીકરો, ડ્રાઈવર સહિતના ચાર લોકોના અકસ્માતમાં મોત નીપજ્યા છે. મૃતકોમાં જોગેશ્વરભાઈનો દીકરો અને ગાડીનો ડ્રાઈવરનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
અકસ્માતમાં બચેલા અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જોગેશ્વરભાઈની પત્નીને પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ઇજા થઈ છે. તેમને પાદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈ તાલુકા પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.


