એરોસ્પેસમાં ગુજરાતની સિદ્ધી! જવાનો ખિસ્સામાં રાખી શકે તેવું ડ્રોન બનાવ્યું
વડોદરાની એમટ્રોન કંપનીએ પોકેટ સાઈઝ સર્વેલન્સ ડ્રોન વિકસાવ્યા: સૈનિકો રિલય-ટાઈમ દેખરેખ માટે લઈ શકશે ઉપયોગમાં
અગ્ર ગુજરાત, વડોદરા
વડાપ્રધાન મોદીનું મેક ઇન ઈન્ડિયાનું સપનું પૂરું કરવાની દિશામાં વડોદરાના વાઘોડિયા સ્થિત એક કંપનીએ ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એમટ્રોન કંપનીએ એવા પોકેટ સાઇઝ સર્વેલન્સ ડ્રોન વિકસાવ્યા છે, જે સૈનિકો યુદ્ધ અથવા કટોકટીની સ્થિતિમાં આસપાસના વિસ્તારની રિયલ-ટાઇમ દેખરેખ માટે ઉપયોગમાં લઈ શકે છે. કંપની માત્ર ડ્રોન જ નહીં પરંતુ ડિફેન્સ, મેડિકલ અને એનર્જી સેક્ટર માટે પણ અદ્યતન ટેક્નોલોજી આધારિત પ્રોડક્ટ્સ વિકસાવી રહી છે.
વાઘોડિયામાં આવેલી એમટ્રોન કંપનીના ચેરમેન મુકેશભાઈ વસાણીએ જણાવ્યું હતું કે, ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટર ખૂબ જ મોટું છે. જેમાં મુખ્યત્વે સર્વેલન્સ અને મોનિટરિંગ સિસ્ટમ હોય છે. જેમાં સર્વેલન્સ કેમેરા, કંટ્રોલર સિસ્ટમ અને મોનિટરિંગ સિસ્ટમ્સ આવે છે. ડિસ્ટ્રક્ટિવ વિનાશક સિસ્ટમમાં બોમ્બિંગ, મિસાઇલ્સ વગેરેનો સમાવેશ થાય છે. અમારો મુખ્ય ફોકસ એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે સર્વેલન્સ અને ડ્રોન ઉપર વધુ છે. અમે એવા નાના ડ્રોન બનાવ્યા છે, જે સૈનિકો પોતાના ખિસ્સામાં રાખી શકે છે. યુદ્ધ કે કટોકટીના સમયે સૈનિકો આ ડ્રોનને હવામાં ફેંકીને આસપાસના વિસ્તારનું સર્વેલન્સ કરી શકે છે અને તે મુજબ આગળ વધી શકે છે.
અમે આના માટે લગભગ 11 જેટલા મોલ્ડ બનાવ્યા છે, જેનાથી આખું ડ્રોન તૈયાર થાય છે. આ ડ્રોન સિસ્ટમ વિનાશક નથી પરંતુ કન્સ્ટ્રક્ટિવ હેતુ માટે છે. આ સિવાય પણ ડિફેન્સ ક્ષેત્રની એવી ઘણી પ્રોડક્ટ્સ છે જે અમે સુરક્ષાના કારણોસર જાહેર ન કરી શકીએ. અમારી કંપની ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ એન્ડ ડિઝાઇન કંપની છે. અમે ક્લાયન્ટની જરૂરિયાત મુજબ આખી સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચર કરીએ છીએ. અમે ડ્રોનનું સોફ્ટવેર, મોબાઇલ એપ્લિકેશનથી લઈને આખી ફિઝિકલ પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ. રોબોટિક્સ અને ડ્રોનની વિવિધ મૂવમેન્ટ માટે જરૂરી ફ્લેક્સ સર્કિટ એસેમ્બલી પણ અમે જ બનાવીએ છીએ. એટલે કે, અમે આખું ડ્રોન અહીં જ તૈયાર કરીએ છીએ.
તેઓએ કહ્યું હતું કે, આ ડ્રોન સીધા યુદ્ધ કે ફાઇટિંગ કરવા નથી જતા, પરંતુ સૈન્યમાં દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત અમે બીજી ઘણી મેડિકલ અને જીવનરક્ષક પ્રોડક્ટ્સ પણ બનાવીએ છીએ. જેમ કે એમ્બ્યુલન્સમાં વપરાતી વિવિધ મશીનરી, ટૂલ્સ અને MRI મશીનના મહત્વના પાર્ટ્સ બનાવીએ છીએ.
અમે ભારત સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને સંપૂર્ણ રીતે સપોર્ટ કરીએ છીએ. આ સિવાય, જ્યારે ક્રૂડ ઓઇલની કટોકટી આવી હતી ત્યારે અમે એનર્જી સેક્ટર માટે પણ ઘણી નવી પ્રોડક્ટ્સ ડેવલપ કરીને અમારા ગ્રાહકોને આપી છે.
એન્જિનિયરોની ઘટ પૂર્ણ કરવા લક્ષ્યાંક
મુકેશભાઈ વસાણીએ જણાવ્યું હતું કે, મારું પોતાનું એક સ્વપ્ન છે કે સમાજ પ્રત્યે કશુંક પરત આપવું. જે સમાજે આપણને મોટા કર્યા છે, તેને પાછું આપવું એ દરેક માણસની જવાબદારી હોવી જોઈએ. આ જ અનુસંધાને અમારી પાસે રાજકોટમાં એક સ્કૂલ છે, જેમાં આશરે 950 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફાઉન્ડેશનમાં અત્યારે અમારું મુખ્ય ધ્યાન સ્કિલ ડેવલપમેન્ટ પર છે. એક ડેટા અનુસાર, બજારમાં 12થી 13 મિલિયન કુશળ એન્જિનિયર જરૂરિયાત છે, જ્યારે આપણી પાસે અત્યારે માત્ર 3 મિલિયન જેટલા જ એન્જિનિયરો બહાર આવી રહ્યા છે. આ તફાવતને પૂરો કરવા માટે અમારું ફાઉન્ડેશન પૂરા પ્રયત્નો કરી રહ્યું છે


