મનપા દ્વારા ‘દિવાળી કાર્નિવલ’નું ભવ્ય આયોજન
વિજળીની અછત વચ્ચે રાજકોટ પાંચ દિવસ લાઇટીંગથી ઝગમગશે
રેસકોર્ષ ખાતે આકર્ષક રોશની કરાશે, લાઇવ મ્યુઝિક બેન્ડ સાથે ધનતેરશે થશે આતશબાજી : વિજસંકટ વચ્ચે તંત્ર દ્વારા કરાયેલા ‘રોશની’ આયોજનથી લોકોને વિજકાપની ચિંતા
અગ્ર ગુજરાત, રાજકોટ
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ દિવસ શહેર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે. જો કે રાજકોટ સહિત સમગ્ર રાજયમાં વિજ કટોકટીનું સંકટ છે ત્યારે પાંચ દિવસનો લાઇટીંગ શો સામે પણ પ્રજાજનોમાં સવાલ ઉઠી રહ્યા છે. જો કે મનપાના સત્તાધીશો દ્વારા વિજળીના કરકસર ભર્યા વપરાશનું આયોજન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ શિયાળો પણ શરૂ થઇ ગયો હોવાથી સાંજના છ વાગ્યાથી અંધારૂ થતુ થઇ જાય છે અને લાઇટો વહેલી શરૂ કરવી પડતી હોય છે ત્યારે દિવાળી કાર્નિવલમાં વિજ વપરાશ વધશે તો લાઇટ કાપ નહી આવે તેવી કોઇ ખાતરી આપવામાં આવી નથી તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યાં છે.
દિવાળીના પાવન પર્વને વધાવવા અને રાજકોટવાસીઓ માટે તહેવારોની ઉજવણી યાદગાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ભવ્ય ‘દિવાળી કાર્નિવલ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા દ્વારા આ અંગેની વિગતો આપતાં જણાવાયું છે કે શાનદાર રોશની, સ્વાદિષ્ટ વાનગીઓ અને સાંસ્કૃતિક સુરાવલો સાથે સમગ્ર શહેર દિવાળીના રંગે રંગાશે.
દિવાળીના તહેવાર નિમિત્તે શહેરના હૃદયસમા રેસકોર્સ રિંગરોડ પર અત્યંત આકર્ષક લાઈટિંગ અને થીમ આધારિત ડેકોરેશન કરવામાં આવશે. આ રોશની અને શણગાર દિવાળીના અંત સુધી યથાવત રહેશે, જેથી નાગરિકો પરિવાર સાથે આહલાદક વાતાવરણનો આનંદ માણી શકશે.
તહેવારની ખુશીઓમાં ઉમેરો કરવા માટે ધનતેરસના શુભ દિવસે ખાસ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે, જે આકાશને રંગબેરંગી રોશનીથી ઝળહળતું કરી મુકશે.
ગુજરાતમાં ઓક્ટોબર મહિના દરમિયાન વીજળીની માંગમાં અભૂતપૂર્વ અને નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યમાં વીજળીની મહત્તમ (પીક) માંગ 37 ટકાના વિરાટ ઉછાળા સાથે 29,822 મેગાવોટની આસપાસ પહોંચી ગઈ હતી, જે ગયા વર્ષે ઓક્ટોબરમાં 21,822 મેગાવોટ હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, મુખ્યત્વે ખેતીવાડી ક્ષેત્રમાં સિંચાઈની અનિવાર્ય જરૂરિયાત અને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વધારાના કારણે વીજ પુરવઠા પર મોટું દબાણ ઊભું થયું છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે, ઊંચા તાપમાન, કૂલિંગ સાધનોનો વપરાશ, ખેતીમાં પાણીની જરૂરિયાત અને તહેવારો પહેલાં ઉદ્યોગોના ધમધમાટથી વીજ માંગમાં રેકોર્ડ વધારો થયો છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કૃષિ, ઘરવપરાશ અને ઉદ્યોગોને સતત અને સસ્તી વીજળી મળતી રહે તે માટે વીજ ઉત્પાદન ક્ષમતા વધારવી, પાવર સ્ટોરેજ સુવિધાઓ ઊભી કરવી અને રિન્યુએબલ એનર્જીનું યોગ્ય સંકલન કરવું સમયની માંગ છે.
નાસ્તાઓ માટે ખાસ ‘ફૂડ સ્ટ્રીટ’
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાજકોટના પ્રખ્યાત અને મોઢામાં પાણી લાવી દે તેવા નાસ્તાઓ માટે ખાસ ‘ફૂડ સ્ટ્રીટ’ ઊભી કરવામાં આવશે. આ ફૂડ સ્ટ્રીટ સતત ૫ દિવસ સુધી કાર્યરત રહેશે. ખોરાકની મજાની સાથે મનોરંજન ઉમેરવા માટે ફૂડ સ્ટ્રીટ ખાતે દરરોજ સાંજે ૬:૦૦ થી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી લાઈવ મ્યુઝિક બેન્ડ પરફોર્મન્સનું ખાસ આકર્ષણ ગોઠવવામાં આવ્યું છે.
વીજળી બચત અને કરકસરભર્યું આયોજન : સ્ટે.ચેરમેન
સમાચાર આપતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે ઉજવણી ભવ્ય હશે પરંતુ તેની સાથે સાથે વીજળીની બચત થાય અને મહાનગરપાલિકાના ખર્ચમાં ઘટાડો લાવવામાં આવે તે દિશામાં આયોજનને સંપૂર્ણ રીતે આયોજિત કરવામાં આવ્યું છે.
મોંઘા ભાવે વિજળી ખરીદી શરૂ
આ વર્ષે અલનીનોની અસરની પાણી સાથે વિજ સમસ્યા પણ સર્જાવાની છે તથા ખાસ કરીને તાપમાનનો પારો ઉંચો રહેતા ઉદ્યોગની સાથે ઘરેલુ તથા વ્યાપારી-ઓફીસ માંગ પણ વધી રહી છે અને તે ઉપરાંત શિયાળાના કારણે સાંજે અંધારુ વહેલુ થાય છે.
ગુજરાતે નવેમ્બર માસ માટે 1000 મેગાવોટ માટે ટેન્કર બહાર પાડયા હતા જેમાં રાજયને 8.99 થી 10 રૂા. પ્રતિ યુનિટના ભાવે 100 મેગાવોટ વિજળી મળી છે તો ડિસેમ્બરમાં 1000 મેગાવોટ સામે 8.55 થી 8.99ના ભાવે 675 મેગાવોટ વિજળી એલોટ થઈ છે. વીજળીની વધતી માંગ અને હવામાનની અસામાન્ય પરિસિ્થતિઓ વચ્ચે, શિયાળાના આગામી મહિનાઓમાં સંભવિત અછત (ખાસ કરીને સાંજના સમયે) ને પહોંચી વળવા માટે દેશના ઓછામાં ઓછા 6 રાજ્યોએ શોર્ટ-ટર્મ (ટૂંકા ગાળાના) ટેન્ડરો બહાર પાડીને વધારાની વીજળી ખરીદવાનો માર્ગ અપનાવ્યો છે.


