કચ્છની સગીરાની ગર્ભપાતની અરજી સંદર્ભે હાઇકોર્ટનો આદેશ
દુષ્કર્મ પીડિતા બાળકની જવાબદારી ન લેવા માંગે તો રાજય સરકારે સ્વીકારવી પડશે
કચ્છમાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને સાત સપ્તાહના ગર્ભપાતની મંજૂરી : તમામ સુવિધા પૂરી પાડવા હાઇકોર્ટનો નિર્દેશ
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે કચ્છની 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 7 સપ્તાહના ગર્ભના અબોર્શનની મંજૂરી આપી છે. આ મામલે હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા કે, ત્રણ વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ્સ અને એક સાયકોલોજિસ્ટની ટીમ પીડિતાની તપાસ કરી સલામતીની ખાતરી કરી તાકીદે ગર્ભપાતની સર્જરી કરે.
કચ્છથી એક 14 વર્ષ અને 4 મહિનાની સગીર વયની દુષ્કર્મ પીડિતા વતી તેના પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ગર્ભપાતની અરજી દાખલ કરવામાં આવી હતી. આરોપી સામે કચ્છના નારાયણનગર પોલીસ મથકે ચાલી વર્ષે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોધાઇ છે. આરોપી દ્વારા પીડિતાનું અપહરણ કરી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા, જેના કારણે તે ગર્ભવતી બની હતી.
કોર્ટે જી.કે.જનરલ હોસ્પિટલને ગત હુકમમાં પીડિતાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. તબીબી અહેવાલ અનુસાર પીડિતાનું સ્વાસ્થ્ય સારું છે અને તે આશરે 7 અઠવાડિયા અને 5 દિવસનો ગર્ભ ધરાવે છે. મેડિકલ બોર્ડે અભિપ્રાય આપ્યો છે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ, 2021 ની માર્ગદર્શિકા મુજબ સગીરાનો ગર્ભપાત કરી શકાય તેમ છે.
ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા કે, કચ્છની હોસ્પિટલના ત્રણ વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ્સ અને એક સાયકોલોજિસ્ટની ટીમ પીડિતાની તપાસ કરશે અને અન્ય જરૂરી નિષ્ણાતોની સર્વસંમતિ અને સલામતીની ખાતરી કરીને તાકીદે ગર્ભપાતની સર્જરી હાથ ધરશે. હોસ્પિટલ દ્વારા પ્રી-ટર્મિનેશન અને પોસ્ટ-ટર્મિનેશનની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ સર્જરી માટે પીડિતા તરફથી પોતાના જોખમે પ્રક્રિયા કરવાની મંજૂરી આપતું બાંહેધરી પત્રક મેળવવાનું રહેશે.
જો બાળક જીવિત જન્મે તો હોસ્પિટલે તેને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવાની રહેશે. જેથી તે સ્વસ્થ બાળક તરીકે વિકાસ પામી શકે. જો પીડિતા કે તેનો પરિવાર બાળકની જવાબદારી લેવા ન માંગે, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ બાળકની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી પડશે. ભવિષ્યના કાનૂની કેસ અને પુરાવા માટે, ડૉક્ટરોએ ગર્ભના પેશીઓના DNA સેમ્પલ વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્રિત કરીને તપાસ કરનાર પોલીસ અધિકારીને સોંપવાના રહેશે.


