શાળા-કોલેજોમાં વધી રહેલા રેગીંગ, જાતિય સતામણી, દુષ્કર્મ, હત્યા, મારામારીના કેસો
આચાર્યના પુત્રનું ધો.૧૦ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય
ગાંધીનગરની રાજ સ્કુલની હોસ્ટેલમાં બનેલો અત્યંત ધૃણાસ્પદ બનાવ : શિક્ષણ જગત શર્મશાર
પ્રિન્સીપાલના પુત્રએ વાતોમાં ભોળવી, બળજબરીથી પોતાના રૂમમાં લઇ જઇ હવસ સંતોષી : પોકસો અને એટ્રોસિટીની ફરિયાદ : વીઓમાં ભારે રોષ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
શૈક્ષણિક સંસ્થાઓ ભવિષ્યના સિંચન કરતા સ્થાનો છે અને તેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આયોજનો થતા હોય છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેગીંગ, જાતીય સતામણી, દુષ્કર્મ, હત્યા, મારામારી સહિતની ઘટનાઓમાં વધારો થયો છે. જે સરકાર અને શિક્ષણ વિભાગ માટે મનોમંથન બની ગયું છે.
રાજ્યના શૈક્ષણિક હબ અને પાટનગર ગાંધીનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેક્ટર-25માં આવેલી જાણીતી રાજ સ્કૂલના પ્રિન્સિપાલના દીકરાએ શાળાની જ હોસ્ટેલમાં રહેતા ધોરણ 10ના એક સગીર વિદ્યાર્થીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકે પ્રિન્સિપાલના પુત્ર વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પીડિત ગરીબ વિદ્યાર્થી રાજ સ્કૂલમાં ધોરણ 10માં એડમિશન મેળવીને હોસ્ટેલમાં રહી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો. આ દરમિયાન શાળાના સંચાલક અને પ્રિન્સિપાલ અશ્વિન પટેલના દીકરા રાજ પટેલે તક જોઈને સગીર વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો હતો.
શરૂઆતમાં મોટી વાતો કરીને તેણે વિદ્યાર્થીના શરીર પર અશોભનીય સ્પર્શ કર્યો હતો. વિદ્યાર્થીએ શરૂઆતમાં આ હરકતને વ્હાલ સમજવાની ભૂલ કરી હતી, જેનો ફાયદો ઉઠાવીને રાજ પટેલે સગીરને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
વતનમાં દીકરાની ચિંતાજનક હાલત જોઈને જ્યારે પરિવારજનોએ પૂછપરછ કરી, ત્યારે પીડિતે પોતાની સાથે ઘટેલી આપવીતી રડતા-રડતા સંભળાવી હતી. પ્રિન્સિપાલના દીકરાના આ કરતૂતો સાંભળીને પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આરોપીને કડકમાં કડક સજા અપાવવાના નિર્ધાર સાથે પરિવારે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આરોપી રાજ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી અને પોક્સો (POCSO) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સેક્ટર-21ના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) લતાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ સ્કૂલના પ્રિન્સિપાલ અશ્વિન પટેલના દીકરા રાજ પટેલ વિરુદ્ધ બાળકની જાતીય સતામણીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ગતિમાન છે.
માનસિક તણાવથી પરિણામ નબળું આવ્યું
આ અસહ્ય માનસિક અને શારીરિક પીડા વેઠીને માસૂમ વિદ્યાર્થીએ માંડ-માંડ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂરી થતાં જ તે પોતાના વતન પરત ફર્યો હતો. જોકે, વતન ગયા પછી પણ આરોપી રાજ પટેલે તેનો પીછો છોડ્યો ન હતો અને સતત બ્લેકમેલ કરીને પોતાની હવસ સંતોષવા માટે દબાણ કરતો રહ્યો હતો. આ સતત સતામણી અને ભયંકર માનસિક તણાવના કારણે વિદ્યાર્થીનું ધોરણ 10નું પરિણામ પણ નબળું આવ્યું હતું અને તે સતત ગુમસુમ રહેવા લાગ્યો હતો.


