સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
વાણીનો દંડ મૌન છે, વાણી પરનો કંટ્રોલ એ સન્યાસ જ છે!
સાકર બનવાનો શું ફાયદો? સાકર ખાવામાં જ ફાયદો છે
મૃત્યુ લોકનું અમૃત કથા-સત્સંગ-સદકથા છે
કેરળ રાજયની રાજધાની કોચીમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ મૃત્યુલોક’ ગઇકાલે સોમવારે ત્રીજા પડાવ પર પહોંચી હતી. કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતાં પ્રિય બાપુએ જણાવ્યું હતું કે એક ઉપનિષદના શ્ર્લોકથી આજની કથામાં પ્રવેશીએ. આપ સૌ પણ આ શ્લોક બોલજો. જેથી એમ લાગે કે કોઇ પાઠશાળા ચાલી રહી છે, મૃત્યુ લોક એક પાઠશાળા છે જયાં બધું શિખાય છે.
વેદાંત પરમમ ગુડ્ડીપમ પુરાકલ્પે પ્રચોદિતમ
નાપ્રશાંતાય દાતવ્યમ ના પુત્રાય ના આશ્રિતાય
વા પુર: યસ્ય દેવે પરાભકિત યથા દેવે તથા ગુરૌ
તસ્યે તે દધીતાય : યથાસન્ને મહાત્મન પ્રકાશૌતે મહાત્મન:
કોઇપણ પ્રકારની અભિલાષા આપણને શાંત રહેવા નથી દેતી! આપણે શાસ્ત્રોના સંતાન છીએ, સદગ્રંથના પુત્ર છીએ તો કથા પ્રશાંત બનીને સાંભળીએ, ના પુત્રાય એટલે પુત્ર ન હોય એને શિષ્ય-આશ્રિત ન હોય એને કથા કે સદગ્રંથની વાતો ન સંભળાવવી. આપણે કથામાં ત્રણ-ચાર કલાક પ્રશાંત બનીને સંવાદ કરીએ છીએ ત્યારે કથામાં ચારે-ચાર યુગની ચાર યાત્રા થઇ જાય છે. (૧) કથાપ્રારંભે મંગલાચરણ એ સતયુગ છે, સતયુગમાં ધ્યાનની પ્રધાનતા હતી (૨) કથામાં પ્રવેશ એ ત્રેતાયુગ છે, એ યુગમાં યજ્ઞની પ્રધાનતા હતી, તો કથાને હું પ્રેમયજ્ઞ કહુ છું. (3) કથામાં નવેય રસ આવે છે, સૂર-તાલ-લય રાગ વગેરે દ્વારા કથામાં આપણે ષડોપચાર પૂજા કરીએ છીએ દ્વવારયુગમાં છે અને (૪) કથાના અંતે કિર્તન થાય છે. કળિયુગનું પ્રધાનતત્વ હરિનામ સંકિર્તન છે. આમ કથામાં ચારેય યુગની યાત્રા થાય છે.
કથામૃત માત્ર મૃત્યુ લોકમાં જ છે. સ્વર્ગ કે પાતાલમાં કથા નથી. ભાગવદની કથા છે, શુકદેવજી પરિક્ષિતને કથા સંભળાવે છે અને એક જ વારમાં પરિકિવતનો મોક્ષ થઇ જાય છે. આપણા જેવાને ન થાય! આપણે તો વારંવાર-નિરંતર-કથા સાંભળવી પડશે. ઘણા કહે છે કે વારે વારે એકની એક કથા શું સાંભળવી? સોયમાં દોરો પોરવવાનો હોય ત્યારે એક જ વખતમાં દોરો નથી પોરોવાતો! વારંવાર એકથી વધારે વખત પ્રયત્ન કરીએ ત્યારે દોરો પોરોવાય છે. એમ વારે વારે કથા સાંભળવી જોઇએ. ગંગાસતિ કહે છે. વીજળીના ચમકારે મોતીડા પરોવો બાઇજી પણ કેમ પરોવીએ! મોતીડા તો છે પણ વિજળી કયાં છે? (કાસમ તારી વીજળી રે વેરણ થઇ)
ભાગવદ કથા સાંભળવા ઇન્દ્રપણ આવે છે, ઇન્દ્ર સ્વર્ગનું અમૃત લઇને આવે છે. શુકદેવજીને કહે છે કે આ લો સ્વર્ગનું અમૃત લાવ્યો છું એના બદલામાં અમને કથામૃત આપો. મૃત્યુ લોકનું અમૃત કથા છે, સદકથા છે.
ગીતાવલી રામાયણમાં તુલસીદાસજીએ વસ્તુ બતાવી છે. એમાં સમુદ્રને કેન્દ્રમાં રાખીને આપણને સમજાવે છે (૧) સમુદ્રને ખોજો (૨) સમુદ્રને બાંધો (3) સમુદ્રને લાંધો (પાર કરવો) (૪) સમુદ્રને મથો-મંથન કરો અને (૫) સમુદ્રને પીઓ. આમ પાંચ સ્થિતિ બતાવી છે. ઘણા લોકો સમુદ્રની શોધ-ખોજ કરે, ઘણા લોકો સમુદ્રને બાંધે એટલે કે કોઇ વાતને બાંધવી-પાકી કરવી, ઘણા લોકો સમુદ્રને પાર કરે છે, હનુમાનજી સમુદ્રને લાંધે છે.
ઘણા લોકો સમુદ્ર મંથન કરે અને પછી સમુદ્રને પીવી છે એટલે કે વિષ-અમૃત નીકળે એ વિષ મારો મહાદેવ પી જાય છે અને જગતને અમૃત આપે છે. કહે છે કે શંકરે વિષને કૈલાસ-હિમાલય પાસે અટકાવી દીધું છે અને જગતને અમૃત આપ્યું છે. આ મૃત્યુ લોકએ મહાસાગર છે. આ સાગરના ઊંડાણમાં જવાનું છે, સાગરમાં તરવાનું છે અને સાગરનું મંથન કરવાનું છે.
મૃત્યુ લોકના મહાસાગરમાંથી રત્નો નીકળે છે, એ રત્નો કયાં? શાંતિ રત્ન મળે છે, બીજું પ્રાપ્તિ-એટલે કે નિર્વાણ, મોક્ષ-મુકિતની પ્રાપ્તિ રૂપિરત્ન મળે છે, આત્મ જયોતિ પ્રાપ્ત થાય છે, ધૃતિ એટલે કે ધીરજ-ધૈર્ય મળે છે. મૃત્યુ તત્વથી આ બધું પ્રાપ્ત થાય છે અને અનાશકિત પ્રાપ્ત થાય છે. મૃત્યુ મળે પછી કોઇ આશકિત રહે છે? કશીપ આસકિત નથી રહેતી. સ્મરણ, શ્રવણ અને શરણ એટલે શરણાગતિ થઇ જાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં આવી જાય! એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ, નિરંતર કથા સાંભળું છું, હવે સન્યાસ લેવાનું મન થાય છે તો શું કરવું? જવાબ: વ્યાસપીઠ તો વિશ્વાસ આપવાનું કામ કરે છે અને સંસારમાં રહીને પણ સન્યાસી થઇ શકાય છે. મૌન-એકાંત અપનાવો, મૌન સેવો, એકાંત સેવો, વાણીનો દંડ મૌન છે. આપણે કેટલું બોલબોલ કરીએ છીએ, કર્મ કરો-પરસેવો પાડો, કોઇનો દ્વવેષ ન કરે, કોઇની પણ પાસેથી કોઇ અપેક્ષા ન રાખવી એ કાયમી સન્યાસી જ છે. શરણાગતિના નામ પર કર્મ ન છોડો, પ્રમાદી ન બનો, કહે કબીર કુછ ઉધમ કીજે….એટલે કબીર પણ ઉદ્યમને પ્રધાનતા આપે છે. શંકરાચાર્યજીએ તો કહ્યું છે કે એકાંત સુખમાસ્યતામ કોઇએ એક સરસ શેર લખી મોકલ્યો છે કે સોચતાહું કુછ, પર કિસસે કહું? ફિર સોચતાહું કી કિસ્સે કિસસે કહું?
આપણો કવિ કૃષ્ણ દવે એ પણ એક કાવ્ય મોકલ્યું છે. કૃષ્ણ તો કૃષ્ણ જ છે, અલગ મિજાજથી લખે છે…
એમ દેહ નહીં ધરૂ
હું કવિતા છું, મારી મરજી, લટકામાં અવતરૂ
એમ દેહ નહીં ધરૂ
કેવળ વાણી વિલાસ કરતી જિહવા લાગે રાંક!
લખ લખ કરતી લેખણ બટકે એમાં કોનો વાંક?
હાથ ન લાગું હવાતિયાને એમા શું કરૂ?
એમ દેહ નહીં ધરૂ
જોતરાઇ મૂર્ધન્ય થવા હું ગોળ ગોળ નહીં કરૂ
એમ દેહ નહીં ધરૂ…
કથારત્નો
(૧) મૃત્યુલોક એ પાઠશાળા છે, જયાં બધું શિખાય છે
(૨) કોઇપણ પ્રકારની અભિલાષા આપણને શાંત નથી રહેવા દેતી!
(3) જ્ઞાન, જ્ઞાનનો અહંકાર પણ બંધન છે : શિવસૂત્ર
(૪) મૃત્યુ એ ધ્રુવ છે, મૃત્યુ લોકમાં જીવન-મૃત્યુ છે
(૫) કાનને દિવાલ હોય છે પણ કાનમાં જ દિવાલ થઇ જાય તો કોઇની નિંદા-ઇર્ષા-દ્વવેષ સંભળાય નહીં!


