રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે ડિઝાસ્ટર તંત્ર સજ્જ
અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ, હેડ ક્વાર્ટરમાં જ રહેવા આદેશ
ડેપ્યુટી કલેક્ટર કક્ષાના નોડલ અધિકારીઓને તાલુકામાં પહોંચી જવા સૂચના
– એસ.ડી.આર.એફ., પોલીસ, હોમગાર્ડ્ઝ, સ્વયંસેવકો તેમજ પૂર-રાહત બચાવની સાધન-સામગ્રી આગોતરી તૈયાર રખાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
ડીપ ડિપ્રેશનના પગલે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા જોતાં ડિઝાસ્ટર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજકોટ જિલ્લામાં ૩૧મી જુલાઈથી ૧ ઓગસ્ટની સાંજ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે તાકીદની બેઠક બોલાવીને જિલ્લાના ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ પ્લાનની સમીક્ષા કરી હતી. આ સાથે રાજ્ય સરકારના ‘ઝીરો કેઝ્યુઆલિટી’ના અભિગમને અનુસરતાં આગોતરા પગલાં લેવા સાથે વિવિધ સૂચનાઓ જારી કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે રાજકોટના પત્રકારોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના અધિકારી નોડલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ લાયઝન અધિકારીઓને શુક્રવારે સવારે સોંપેલા તાલુકા મથકે પહોંચી મામલતદાર, ટીડીઓ, પોલીસ તંત્ર અને સ્થાનિક વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજી ડિઝાસ્ટર સંબંધિત તૈયારીઓ સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતાં, જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. તમામ અધિકારીઓ-કર્મચારીઓને પોતાના હેડક્વાર્ટર પર હાજર રહેવા અને મોબાઈલ, સંપર્ક માધ્યમો સતત ચાલુ રાખવા સૂચના અપાઈ છે.
સંભવિત અતિભારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની જરૂર પડે ત્યારે તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શાળાઓ તેમજ સમાજવાડીઓને આશ્રયસ્થાન તરીકે તૈયાર રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આશરે ૧૭૦ જેટલા નીચાણવાળા ગામોની ઓળખ કરીને આગોતરી સાવધાની રાખવામાં આવી રહી છે. જિલ્લામાં એસ.ડી.આર.એફ.ની ટીમ પણ તહેનાત રખાઈ છે.
જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોને બિનજરૂરી અવરજવર કે પ્રવાસ ટાળવા તેમજ નદી-નાળા અને કોઝવે નજીક ન જવા અનુરોધ કરવામાં આવ્યો છે. નાગરિકો આપાતકાલીન સ્થિતિમાં સહાય કે માહિતી માટે જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટોલ-ફ્રી નંબર ૧૦૭૭ તથા ટેલિફોન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ પર સંપર્ક કરી શકે છે.


