દિવાળી પૂર્વે વલભીપુરના મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા વકરી
ઇસ્કોન શોપિંગ સેન્ટરથી સ્વામિનારાયણ મંદિર–ટાવર ચોક સુધી ટ્રાફિક નિયંત્રણ માટે બેરીકેટ લગાવવાની વેપારીઓની માંગ
અગ્ર ગુજરાત, વલભીપુર
વલભીપુર શહેરના મુખ્ય બજારમાં આજે સવારના સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતાં અનેક વાહનચાલકો અને રાહદારીઓ અટવાઈ પડ્યા હતા. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભાળતા જીઆરડીના જવાનો તેમજ હોમગાર્ડના જવાનોની કામગીરી સામે પણ શહેરીજનોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે.
લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ટ્રાફિક નિયંત્રણ માટે તૈનાત જવાનો માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને તો નથી રહી ગયા ને? હોમગાર્ડના મહિલા અને પુરુષ કર્મચારીઓ ફરજ દરમિયાન મોબાઇલ ફોનમાં વ્યસ્ત હોવાની પણ લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે. ત્યારે દિવાળીના તહેવાર સુધી વલભીપુરના પીઆઈ માનસિંહ ભલગરીયા સાહેબ દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં ખાસ ધ્યાન આપવામાં આવે તેવી લોકોની માંગ છે. કેટલાક લોકોનું કહેવું છે કે ફરજ દરમિયાન કર્મચારીઓ મોબાઇલનો ઉપયોગ ન કરે તે માટે મોબાઇલ પોલીસ ચોકીમાં જમા કરાવીને જ ફરજ પર હાજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો ટ્રાફિક નિયંત્રણમાં વધુ ધ્યાન આપી શકાય.
વલભીપુર શહેરમાં મુખ્યત્વે બે બજાર વિસ્તારોમાં સૌથી વધુ અવરજવર રહે છે. જેમાં ઇસ્કોન શોપિંગ સેન્ટર વિસ્તાર તેમજ સ્વામિનારાયણ મંદિરથી ટાવર ચોક સુધીનો બજાર વિસ્તાર સામેલ છે. એક બજારમાં પોલીસ તંત્ર દ્વારા બેરીકેટ લગાવવામાં આવ્યા છે, જે આવકારદાયક કામગીરી છે. પરંતુ સ્વામિનારાયણ મંદિરથી ટાવર ચોક સુધીના વિસ્તારમાં શાકમાર્કેટ પણ આવેલી હોવાથી અહીં દિવસ દરમિયાન ભારે ટ્રાફિક જોવા મળે છે. આ વિસ્તારમાં પણ વહેલી તકે બેરીકેટ લગાવી ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ, મુંબઈ અને સુરત જેવા શહેરોમાં ધંધા-રોજગાર અર્થે વસતા વલભીપુરના વતનીઓ પોતાના માદરે વતન દિવાળી ઉજવવા આવતા હોય છે. આ સમયગાળા દરમિયાન હેવી વાહનો, ફોરવ્હીલર સહિતનાં વાહનોની અવરજવર વધવાની શક્યતા રહે છે. પરિણામે બંને મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરે તે પહેલાં જ પોલીસ તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
વલભીપુરના વેપારીઓનું પણ કહેવું છે કે બંને મુખ્ય બજારોમાં વહેલી તકે બેરીકેટ લગાવવામાં આવે અને ટ્રાફિક નિયમન માટે પૂરતા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવે તો બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો, વેપારીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળી શકે છે.
હવે સવાલ એ છે કે દિવાળીના તહેવારોમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે તેની રાહ જોવાશે કે વલભીપુર પોલીસ તંત્ર સમયસર જાગીને મુખ્ય બજારોમાં ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરશે?


