જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ
જિલ્લા પ્રમુખ અને વંથલી તાલુકા પ્રમુખે પક્ષ તરફથી મળવાપાત્ર ચૂંટણી ફંડ ન આપવા કાર્યકર્તાઓ પાસેથી નાણા ઉઘરાવ્યા હોવાના ગંભીર આક્ષેપ પક્ષના જ નેતા દ્વારા કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પક્ષના ઉમેદવારો અને સંગઠનના વિવિધ હોદ્દેદારો વચ્ચે ફંડની વહેંચણીને લઈને મોટો ડખો સામે આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ આરદેસણા સામે પક્ષ તરફથી મળવાપાત્ર ચૂંટણી ફંડ ન આપવાના તેમજ કાર્યકર્તાઓ પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવવાના ગંભીર આક્ષેપો પક્ષના જ નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે. આ વિવાદને કારણે કોંગ્રેસ સંગઠનમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અસંતુષ્ટ નેતાઓએ આ અંગે પ્રદેશ પ્રમુખ સુધી લેખિતમાં રજૂઆતો પણ પહોંચાડી છે.
મેંદરડા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ કુંભાણીએ પક્ષના સંગઠન માળખા સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ગ્રામ્ય બેઠકો માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી તમામ શહેર અને તાલુકા પ્રમુખોને ખર્ચ પેટે પચીસ-પચીસ હજાર રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ તમામ રકમ સીધી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા થઈ હતી અને તે જે-તે સંગઠનના પ્રમુખોને ચૂકવવાની જવાબદારી જિલ્લા પ્રમુખની હતી. ધીરુભાઈના જણાવ્યા અનુસાર તેમને આ રકમ મળી નથી, તેમજ અન્ય ચાર-પાંચ તાલુકા અને શહેર પ્રમુખોને પણ આવી કોઈ રકમ ચૂકવાઈ નથી. તેમણે આ બાબતે જિલ્લા પ્રમુખ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને આ નાણાં ફરી પ્રદેશ સમિતિમાં જમા કરાવી દેવા અથવા જૂનાગઢ કાર્યાલયમાં જમા કરાવવા જણાવ્યું છે. ધીરુભાઈએ સ્પષ્ટ કર્યું કે તેમને આવી કોઈ રકમની વ્યક્તિગત જરૂર નથી અને તેમણે કોઈ ઉમેદવાર પાસેથી ક્યારેય પૈસા લીધા નથી. પક્ષના કાર્યકરોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે તેમણે પ્રદેશ પ્રમુખ પાસે રૂબરૂ મુલાકાત માંગી છે જેથી તેઓ સમગ્ર જિલ્લાની સાચી પરિસ્થિતિ રજૂ કરી શકે.
આ તમામ ગંભીર આક્ષેપો અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે પોતાનો પક્ષ રાખતા તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે પક્ષના નિયમ મુજબ તમામ હોદ્દેદારોના ખાતામાં ફંડની રકમ યોગ્ય રીતે જમા કરાવી દેવામાં આવી છે અને નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરરીતિ થઈ નથી. વધુમાં તેમણે ધીરુભાઈ કુંભાણીના આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું કે, ધીરુભાઈ કુંભાણી હાલમાં મેંદરડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદ પર છે જ નહીં, કારણ કે પક્ષ દ્વારા થોડો સમય પહેલા જ મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જ્વલિત બુસાની સત્તાવાર નિમણૂક કરી દેવામાં આવી છે. જિલ્લા પ્રમુખે તમામ આક્ષેપોને નકારીને સંગઠનમાં બધું બરાબર હોવાનો દાવો કર્યો છે, પરંતુ સામે પક્ષે અસંતુષ્ટોનો રોષ જોતા જૂનાગઢ કોંગ્રેસની આ આંતરિક લડાઈ પ્રદેશ હાઈકમાન્ડ સુધી પહોંચે તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.


