સોરઠમાં વરસાદની અછતથી વિકટ સ્થિતિ
લીલી પરિક્રમામાં પીવાના પાણીની સમસ્યા પડકાર
વહિવટી તંત્ર એકશન મોડમાં, સાધુ-સંતો, ઉતારા મંડળો, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ સાથે કલેકટરની બેઠક : આયોજન-વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરાઇ : તા.૨૦ નવે.થી ૨૪ નવે.સુધી યોજાશે પરિક્રમા
અગ્ર ગુજરાત, જૂનાગઢ
ગિરનારની લીલી પરિક્રમાને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, પરંતુ આ વર્ષે ઓછા વરસાદને કારણે પરિક્રમાના રૂટ પર પાણીની વિકટ સમસ્યા ઊભી થવાની ભીતિ છે. લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાને લઈને કલેક્ટર કચેરી ખાતે સાધુ-સંતો, ઉતારા મંડળો, ધારાસભ્ય સહિતના આગેવાનો અને વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં પાણીની વ્યવસ્થા સાથે રસ્તા, વીજળી, સ્વચ્છતા અને કાયમી સુવિધાઓના મુદ્દે ચર્ચા થઈ હતી.
જૂનાગઢમાં આગામી 20 નવેમ્બરની રાત્રે કારતક સુદ અગિયારસના પર્વે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે અને 24 નવેમ્બર સુધી પરિક્રમા યોજાશે. જેની તૈયારીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલા આશરે 36 કિલોમીટરના પરિક્રમા માર્ગ પર દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. ત્યારે આ વર્ષે ચોમાસું નબળું રહેતાં પાણીની ઉપલબ્ધતા સૌથી મોટો પડકાર બની શકે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પરિક્રમા માર્ગ પર પીવાના પાણીની વ્યવસ્થા, નવા બોર, રસ્તાઓની સ્થિતિ, વીજળી અને આરોગ્ય સહિતની સુવિધાઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી આયોજન કરવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા. પાણીની અછતને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ઓછા વરસાદને કારણે પરિક્રમા માર્ગ પર પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને પાણી વિભાગ અને વન વિભાગને નવા બોર સહિતની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને પીવાનું પાણી મળી રહે. સાથે જ જંગલ વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગની ટીમો અને ટ્રેકર્સ તૈનાત રહેશે. શ્રદ્ધાળુઓને નિર્ધારિત માર્ગ પર જ ચાલવા અને જંગલના જોખમી વિસ્તારોમાં પ્રવેશ ન કરવા સૂચના આપવામાં આવશે. પરિક્રમા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા પણ અપીલ કરવામાં આવી છે. પાણીની સ્થિતિ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને નાના બાળકો તેમજ સ્વાસ્થ્યની સમસ્યા ધરાવતા વૃદ્ધોને પરિક્રમા ટાળવા કલેક્ટરે અપીલ કરી છે.
આમ ચાલુ વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે કારણ કે ગત વર્ષે પરિક્રમા શ્રદ્ધાળુઓ માટે બંધ રહી હતી જ્યારે આ વર્ષે તંત્રને પાણીની સમસ્યાનો પડકાર રહેશે તેને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાય છે . હવે જોવાનું એ રહેશે કે બેઠકમાં થયેલી ચર્ચા અને સૂચનોનો અમલ કેટલો અસરકારક રીતે થાય છે અને પરિક્રમાએ આવતા શ્રદ્ધાળુઓને તંત્ર કેટલી સુવિધાઓ પૂરી પાડી શકે છે.
આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ
પરિક્રમાની તૈયારીઓ વચ્ચે પાયાની સુવિધાઓને લઈને તંત્ર સામે સવાલો પણ ઊઠ્યા છે. બેઠકમાં નિર્ભય પુરોહિતે આક્ષેપ કર્યો હતો કે દર વર્ષે પરિક્રમા અને શિવરાત્રિના મેળા સમયે જ સુવિધાઓની વાત થાય છે, પરંતુ ગિરનારના માર્ગો પર લાઇટ, રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓનો કાયમી ઉકેલ આવતો નથી. ગૌમુખી ગંગાથી નીચેના રસ્તા, ભરતવન, સીતાવન, હનુમાનધારા, જટાશંકર તરફના માર્ગો અને પછવાડાની સીડી પર પૂરતી લાઇટની વ્યવસ્થા ન હોવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. આ ઉપરાંત દામોદર કુંડમાં ગટરનું દૂષિત પાણી ભળવાના આક્ષેપ સાથે ચેકડેમોની સફાઈ અને પાણીના પ્રશ્ને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો હિન્દુ સંગઠનો સાથે મળીને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
વહેલો પ્રવેશ આપવા રજૂઆત
ગિરનારની લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતા હોય છે. ક્યારે ચાલુ વર્ષે મોટાં અન્નક્ષેત્રો અને ઉતારાઓને પણ પાણીની સમસ્યાઓને લઈને રજૂઆત કરી હતી. બોરદેવી જીણાબાવાની મઢી સહિતના વિસ્તારોમાં જ્યાં બોર આવેલા છે ત્યાં ચાલુ વર્ષે પાણી જ નથી . તો બીજી તરફ જે અન્નક્ષેત્રો સંચાલકોના પ્રાઇવેટ બોર છે એના રીફ્લિંગ અને કામગીરી માટે વહેલી મંજૂરી આપવામાં આવે તેમજ પરિક્રમા શરૂ થાય તેના પાંચ દિવસ પહેલા જ અન્નક્ષેત્રો અને ઉતારાઓ ને તૈયારીઓ માટે પરિક્રમા રૂટ પર વહેલો પ્રવેશ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.


