- USના વાલપરાઈસો શહેરમાં ભારતીય વિદ્યાર્થી વરુણ પર જીવલેણ હુમલો
- અજાણ્યા શખ્સે 24 વર્ષીય વિદ્યાર્થીને ચાકુ મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત
- પોલીસે સમગ્ર ઘટનાને જોતા ગણતરીની કલાકોમાં આરોપીની કરી ધરપકડ
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર ઘાતક હથિયાર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં હુમલાખોરે 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને ચાકુ મારીને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ 24 વર્ષીય હુમલાખોર જોર્ડન એન્ડ્રેડે રવિવારે સવારે USના વાલપરાઈસો શહેરમાં એક સાર્વજનિક જીમમાં વરુણ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ભારતીય વિદ્યાર્થી વરુણ કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છે. ઘટના બાદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર ઘાતક હથિયાર વડે હુમલો અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાને લઇ જાણવા મળી રહ્યું છે કે, હુમલાખોરે વરુણ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. તેની ઈજાઓની ગંભીરતાને કારણે તેને ફોર્ટ વેઈન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને અહેવાલ મુજબ તેના બચવાની શક્યતા ઓછી છે. હિંસક હુમલા બાદ વરુણની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, સવારે વરુણ જિમ ગયો હતો. તે મસાજ કરાવવા માટે મસાજ રૂમમાં ગયો, જ્યાં વરુણે અન્ય એક વ્યક્તિને જોયો જેને તે ઓળખતો ન હતો અને તે અજાણી વ્યક્તિને જોઈને તેને ડરી ગયો હતો. જોકે મોકો જોઇને આ અજાણ્યા શખ્સ દ્વારા વરુણ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


