ગીર સોમનાથની ચેરીટી કમિશ્નર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
ટ્રસ્ટ નોંધણીનું પ્રમાણપત્ર આપવા રૂ.5 હજારની લાંચ લેતા કરાર આધારિત પટાવાળો ACB ના ટ્રેપમાં પકડાયો
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના ઇણાજ ખાતે આવેલી મદદનીશ ચેરિટી કમિશ્નરની કચેરીમાં લાંચ લેવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કચેરીમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ પુંજાભાઈ વંશને ટ્રસ્ટ નોંધણીનું પ્રમાણપત્ર આપવાના બદલામાં રૂ. 5,000ની લાંચ લેતા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ, ફરિયાદીએ પોતાના ટ્રસ્ટની નોંધણી માટે નિયમ મુજબ અરજી કરી હતી. અરજીની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મદદનીશ ચેરિટી કમિશ્નરની કચેરી દ્વારા ટ્રસ્ટની નોંધણી મંજૂર કરવામાં આવી હતી. જોકે, નોંધણી મંજૂર થયા બાદ ટ્રસ્ટનું નોંધણી પ્રમાણપત્ર અરજદારને આપવા માટે કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત પટાવાળા રાહુલભાઈ પુંજાભાઈ વંશે રૂ. 5,000ની લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી લાંચની રકમ ચૂકવવા ઇચ્છતા ન હોવાથી તેમણે સમગ્ર મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBના અધિકારીઓએ પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન લાંચની માંગણી થયાની હકીકત પ્રસ્થાપિત થતાં અધિકારીઓએ આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવી હતી.
નક્કી કરાયેલ આયોજન મુજબ ફરિયાદી આરોપીનો સંપર્ક કરી લાંચની રકમ આપવા પહોંચ્યા હતા. તે દરમિયાન ACBની ટીમે વોચ ગોઠવી હતી. આરોપી રાહુલભાઈ વંશે ફરિયાદી પાસેથી રૂ. 5,000ની લાંચ સ્વીકારતા જ ACBના અધિકારીઓએ દરોડો પાડી તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. કાર્યવાહી દરમિયાન જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાના પગલે સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને કામગીરી માટે લાંચની માંગણી જેવા મુદ્દાઓ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ટ્રસ્ટ નોંધણી જેવી નિયમિત અને કાયદેસરની પ્રક્રિયામાં પણ અરજદારો પાસેથી ગેરકાયદેસર નાણાંની માંગણી થતી હોવાના આક્ષેપોએ ચિંતા ઊભી કરી છે. ACB દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની તેમજ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


