- ટ્રમ્પના સમર્થકોમાંના 82 ટકા લોકોનું સમર્થન
- અમેરિકામાં આવતા વર્ષે પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થવાની છે
- હેલીને માત્ર 22 ટકા લોકોએ જ સમર્થન આપ્યું
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2024ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ભારતીય મૂળનાં અમેરિકન નેતા નિક્કી હેલીના જ ગૃહરાજ્ય સાઉથ કેરોલિનામાં હેલી કરતાં 30 ટકા કરતાં વધુ અંકોથી આગળ ચાલી રહ્યા છે. ટ્રમ્પને વધારે લોકો પસંદ કરી રહ્યા છે.
રિપબ્લ્કિન પાર્ટીના ઉમેદવારોમાં સૌથી આગળ ચાલી રહેલા 77 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપ્રમુખનું સાઉથ કેરોલિનામાં 53 ટકા લોકોએ સમર્થન કર્યું છે. જ્યારે સાઉથ કેરોલિનાનાં પૂર્વ ગવર્નર રહી ચૂકેલાં હેલીને માત્ર 22 ટકા લોકોએ જ સમર્થન આપ્યું છે. તો, ભારતીય મૂળના 38 વર્ષીય અમેરિકન વિવેક રામાસ્વામી દક્ષિણ કેરોલિનાના એક સર્વેમાં ઘણા પાછળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આવતા વર્ષે પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થવાની છે.સાઉથ કેરોલિનામાં ટ્રમ્પના સમર્થનનો આધાર તેમના પ્રતિસ્પર્ધીઓના સમર્થકોની સરખામણીએ ઘણો વધારે મજબૂત છે. તેમના વર્તમાન સમર્થકોમાંના 82 ટકા લોકોનું કહેવું છે કે તેઓ ચોક્કસપણે તેમને સમર્થન આપશે. તદ્ઉપરાંત, 51 વર્ષીય હેલીના સમર્થકોમાંથી માત્ર 42 ટકા અને ડેસેન્ટિસના 38 ટકા સમર્થકોનું કહેવું છે કે તેમને વિશ્વાસ છે કે તેઓ પોતાનો વિચાર નહીં બદલે.
ટ્રમ્પને 59 ટકા રિપબ્લિકનનું રાષ્ટ્રીય સમર્થન
બધી જ મુખ્ય રાષ્ટ્રીય ચૂંટણીઓ પર ધ્યાન રાખતી એજન્સી અનુસાર, ટ્રમ્પને 59 ટકા રિપબ્લિકનનું રાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. ત્યાર બાદ ફ્લોરિડાના ગવર્નર ડેસેન્ટિસને 12.6 ટકા, હેલીને 8.3 ટકા અને રામાસ્વામીને 4.6 ટકા સમર્થન મળ્યું છે.


