- વર્ષ 2016-17થી 2021-22 દરમિયાન અડધું દાન ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળ્યું
- ભાજપે ઇલેક્ટોરલ બોન્ડથી 5,272 કરોડ, કોંગ્રેસે 952 કરોડનું દાન મેળવ્યું
- ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ 2017માં એક ફાઇનાન્સ બિલ દ્વારા રજૂ કરાઇ હતી
વર્ષ 2021-22 સુધીમાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને કુલ 9,188 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાનું એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)નો ડેટા જણાવે છે. તેમાંથી 57 ટકા દાન એકલા ભાજપને મળ્યું છે જ્યારે કોંગ્રેસે 10 ટકા દાન મેળવ્યું છે. 2016-17થી 2021-22 (જેનો ડેટા ઉપલબ્ધ છે તેવું છેલ્લું વર્ષ) દરમિયાન 7 રાષ્ટ્રીય અને 24 પ્રાદેશિક પક્ષોને કુલ 9,188.35 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. તેમાંથી ભાજપે 5,272 કરોડ અને કોંગ્રેસે 952 કરોડનું દાન મેળવ્યું છે. બાકીનું દાન અન્ય પક્ષોને મળ્યું છે.
ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ 2017માં એક ફાઇનાન્સ બિલ દ્વારા રજૂ કરાઇ હતી અને 2018માં લાગુ કરાઇ હતી. તે અંતર્ગત વ્યક્તિઓ અને સંસ્થાઓ પોતાની ઓળખ ગુપ્ત રાખીને રજિસ્ટર્ડ રાજકીય પક્ષોને દાન કરી શકે છે. ભારતીય સ્ટેટ બેન્ક (SBI) તે માટે રૂ. 1,000, રૂ. 10,000, રૂ. 1 લાખ, રૂ. 10 લાખ અને રૂ. 1 કરોડના મૂલ્યના બોન્ડ જારી કરે છે. આ વર્ષે જુલાઈમાં એડીઆરે કહ્યું હતું કે 2016-17થી 2021-22 દરમિયાન રાજકીય પક્ષોને મળેલા તમામ દાનમાંથી અડધાથી વધુ દાન ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા મળ્યું હતું અને ભાજપને અન્ય તમામ રાષ્ટ્રીય પક્ષોને મળેલા કુલ દાનથી વધુ દાન પ્રાપ્ત થયું હતું. 2016-17થી 2021-22 દરમિયાન 7 રાષ્ટ્રીય પક્ષો અને 24 પ્રાદેશિક પક્ષોને કુલ મળીને અંદાજે રૂ. 16,437 કરોડનું દાન પ્રાપ્ત થયું હતું.
ઇલેક્ટોરલ બોન્ડથી દાનમાં 4 વર્ષમાં 743 ટકાનો ઉછાળો
એડીઆરના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી મળતા દાનમાં નાણાવર્ષ 2017-18થી નાણાવર્ષ 2021-22 સુધીના ચાર વર્ષના ગાળામાં 743 ટકાનો વધારો થયો છે. બીજી તરફ આ ગાળામાં રાષ્ટ્રીય પક્ષોને મળતા કોર્પોરેટ ડોનેશનમાં માત્ર 48 ટકાનો વધારો થયો હતો. પ્રાદેશિક પક્ષોએ પણ તેમને મળેલા દાનનો નોંધપાત્ર હિસ્સો ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મેળવ્યો હતો.