તાલાલા–માધુપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: બહેનની નજર સામે ભાઈનો હાથ ખભાથી કપાઈ ગયો
રિક્ષા અને ટુ-વ્હીલર વચ્ચેની ટક્કરમાં યુવક ગંભીર રીતે ઘાયલ; અકસ્માતના દૃશ્યોએ હાજર લોકોને હચમચાવી દીધા
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરાણ ગામ નજીક કૃષ્ણા કન્યા વિદ્યાસંકુલ શાળા પાસે ગઇકાલે 28 જૂનની સાંજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હિરણવેલ ગામથી ઉના તરફ બાઈક પર જઈ રહેલા ભાઈ-બહેનને સામેથી આવેલી રિક્ષાએ જોરદાર ટક્કર મારતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં બાઈક ચાલક હરેશભાઈ ઉકાભાઈ બારૈયાને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે તેમનો એક હાથ કપાઈને રોડ પર પડી ગયો હતો. ઉપરાંત તેમના પગમાં ગંભીર ઈજા તેમજ સાથળના ભાગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. તેમના ફેફસા દેખાવા લાગ્યા હતા. તેમની સાથે બાઈક પર સવાર રહેલી બહેનને પણ ફ્રેક્ચર સહિત ઈજાઓ પહોંચી છે.
108 એમ્બ્યુલન્સ પાઈલોટ અલ્પેશભાઈ રામે જણાવ્યું હતું કે યુવકનો હાથ કપાઈ ગયો છે અને એક પગ પણ કપાઈ ગયો છે. યુવકનો જમણો હાથ ખભેથી કપાઈ જતાં છાતીનો ભાગ ખુલ્લો થઈ ગયો હતો અને તેના ફેફસા પણ દેખાવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં અમે આવો અકસ્માત જોયો નથી.
આ ભયાનક અકસ્માતની ઘટના કેવી રીતે બની એ વર્ણવતા પ્રત્યક્ષદર્શી પરબતભાઈ મેરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે તાલાલાથી માધુપુર આવી રહી એસટી બસને તેની પાછળ આવી રહેલી રિક્ષાના ચાલકે બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન માધુપુર તરફથી તાલાલા આવી રહેલા બાઈક પર સવાર બે ભાઈ બહેનને રિક્ષા ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરમાં બાઈક ચલાવનારનો હાથ કપાઈ ગયો હતો. ઘટનાસ્થળે ભેગા થયેલા લોકોએ 108 અને 112ને કોલ કર્યો હતો.
અકસ્માત બાદ રિક્ષાચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં તાલાલા 108 એમ્બ્યુલન્સના પાયલોટ અલ્પેશભાઈ રામ અને ડૉ. કેસુરભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે તાલાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હરેશભાઈની હાલત અત્યંત ગંભીર હોવાથી ફરજ પરના તબીબોએ તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વેરાવળ હોસ્પિટલમાં રીફર કર્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં તાલાલા પોલીસનો કાફલો પણ અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. ફરાર રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે.


