મેટ્રોમોનિયલ સાઇટ પર મહિલાની નકલી આઇડી બનાવી રૂ.૨.3૦ કરોડની છેતરપીંડી
સુરતના યુવક સામે મિત્રતા કેળવી ફોરેકસ ટ્રેડિંગમાં રોકાણ કરાવી ઠગાઇ આચરી : ડોકટર સહિત પાંચની ધરપકડ : નેપાળ સુધી જોડાયેલા તાર
અગ્ર ગુજરાત, અમદાવાદ
મેટ્રિમોનિયલ સાઈટ પર જિજ્ઞાસા કપૂર નામની નકલી પ્રોફાઈલ બનાવી સુરતના એક યુવક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. નકલી પ્રોફાઈલના માધ્યમથી યુવક સાથે મિત્રતા કેળવી ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી ફ્રોડ કરવામાં આવ્યો હતો. જેની તપાસ કરતા ફ્રોડના તાર ગુજરાતથી નેપાળ સુધી ખૂલ્યા છે. પોલીસે રૂ. 2.30 કરોડના સાયબર ફ્રોડ મામલે પોલીસે એક ડોકટર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે બેંક ખાતામાં કૌભાંડના નાણાં ટ્રાન્સફર થયા છે તે બેંક ખાતાનો 31 સાયબર ફ્રોડના ગુનામાં ઉપયોગ થયાનું ખૂલ્યું છે. જેમાં કૂલ 15 કરોડની હેરાફેરી થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ મેટ્રિમોનિયલ સાઇટ પર ‘જિગ્યાસા કપૂર’ નામની નકલી પ્રોફાઇલ બનાવી હતી. ત્યારબાદ ‘Dilsafar’ એપ મારફતે ભોગ બનનારનો સંપર્ક કરી ફોરેક્સ ટ્રેડિંગમાં શરૂઆતમાં રૂ.50 હજારનું રોકાણ કરાવ્યું હતું. તેમાં નફો બતાવી ભોગ બનનારનો વિશ્વાસ જીત્યા બાદ RoboForex પ્લેટફોર્મમાં વધુ રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.2.30 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં એકાઉન્ટ લોક થઈ ગયું હોવાનું કહી વધુ નાણાં જમા કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભોગ બનનારને છેતરપિંડીની શંકા જતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ડૉ. ઝાલાએ જણાવ્યું કે, આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે અન્ય લોકોના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા અને R.P. Chemicals નામની ખોટી પેઢી બનાવી તેના ખાતાઓ મારફતે છેતરપિંડીની રકમ સ્વીકારી અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.
તપાસ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓની વિગતો NCRP પોર્ટલ પર ચકાસતા દેશભરમાં નોંધાયેલા 31 સાયબર ફ્રોડ કેસો સાથે કડી મળી છે. આ તમામ કેસોમાં અંદાજે રૂ.3.15 કરોડથી વધુના સાયબર ફ્રોડ સામે આવ્યા છે.ડૉ. ઝાલાના જણાવ્યા મુજબ, પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 7 મોબાઇલ ફોન, એક આધાર કાર્ડ અને એક પાસબુક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે હાથ ધરી હતી.
ઝડપાયેલા આરોપીઓના નામ
- રાજ અતુલભાઇ પડસાલા રહે.આણંદ (બેંક ખાતા ધારક)
- યાજ્ઞિક અશોકભાઈ રામાણી રહે.રાજકોટ (બેંક ખાતા સપ્લાયર)
- વાઘેલા લક્ષ્મણ જયંતિલાલ રહે.રાજકોટ (બેંક ખાતા સપ્લાયર)
- ડો.જયદીપકુમાર બટુકલાલ આરદેસણા રહે.રાજકોટ (બેંક ખાતા સપ્લાયર)
- સાગર ભીમજીભાઇ ગોકાણી રહે.રાજકોટ (બેંક ખાતા પ્રોવાઇડર)


