ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 3 કલાકમાં 3 ઇંચ ખાબકયો
માંડવી ચોક બન્યો બેટ, ગોઠણડૂબ પાણીમાં વાહનો ખોટકાયા: પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડ્યા
ત્રણ ખુણીયા વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે શોર્ટ સર્કિટ: મોટી દુર્ઘટના ટળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ શહેરમાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને તોફાની બેટિંગ કરી હતી. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં સાંબેલાધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. ધોધમાર વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
વરસાદનું જોર એટલું વધારે હતું કે શહેરનો હૃદયસમો માંડવી ચોક સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો હતો. અહીં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં અનેક મોટરસાયકલ અને કાર રસ્તા વચ્ચે જ ખોટકાયા હતા, જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત, નાની બજાર વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દુકાનોની બહાર સુધી પાણી ભરાઈ જતાં વેપારીઓમાં જીવ અધ્ધર થઈ ગયા હતા.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ આજના માત્ર ત્રણ ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ભૂગર્ભ ગટરોના ગંદા પાણી રસ્તા પર ઉભરાઈ આવ્યા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે તંત્રએ છેલ્લી ઘડીએ દોડતા થઈને પાણીના નિકાલ માટે ગટરોના ઢાંકણા ખોલવાની ફરજ પડી હતી, જેને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ભારે વરસાદ અને પવન વચ્ચે શહેરમાં એક મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા ટકી ગઈ હતી. શહેરના ત્રણ ખુણીયા વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર (ડીપી) માં અચાનક જોરદાર ધડાકા સાથે શોર્ટ સર્કિટ થઈ હતી. ભરચક વિસ્તારમાં સરેઆમ થયેલા આ બ્લાસ્ટને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં PGVCL (વીજ કંપની) ની ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે ચોમાસા પહેલા લાઇન અને ટ્રાન્સફોર્મરનું યોગ્ય મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું નહોતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી.


