જોડીયાના ટીંબડીમાં વાડીએ વીજ કરંટ લાગતા માતા-માસૂમ પુત્રનું મોત
મધ્યપ્રદેશના શ્રમિક પરિવાર પર અણધારી આફત
અગ્ર ગુજરાત, જામનગર
જોડિયા તાલુકાના ટીંબડી ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની માતા અને તેના માત્ર દોઢ વર્ષના માસૂમ પુત્રનું વીજ કરંટ લાગવાના કારણે મોત નીપજ્યું છે. એક સાથે માતા-પુત્રના મોતથી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જોડિયા તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવાર સાથે આ દુર્ઘટના ઘટી હતી.
શ્રમિક માતા દોઢ વર્ષના દીકરા સાથે વાડી વિસ્તારમાં હાજર હતા. ચોમાસાના ભેજવાળા વાતાવરણ વચ્ચે વાડીમાં કોઈ કારણોસર લાઈવ વીજ વાયરમાંથી કરંટ ઉતરી આવ્યો હતો. કમનસીબે આ જીવલેણ વીજ પ્રવાહની ઝપેટમાં માતા-પુત્ર આવી ગયા હતા અને તેમનું મોત થયું હતુ.
આ ઘટનાની જાણ આસપાસના અન્ય શ્રમિકો અને વાડી માલિકને થતાં જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. બેભાન અને ગંભીર હાલતમાં માતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે નજીક આવેલા ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ બંનેને તપાસીને તબીબી રીતે મૃત જાહેર કર્યા હતા. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વીજ કંપનીની કોઈ લાપરવાહી હતી કે કેમ તે દિશામાં પણ સ્થાનિક પોલીસ તપાસ ચલાવી રહી છે.


