વેરાવળ બાયપાસ પર ટાયર ફાટતા એસટી બસ ડિવાઈડર પર ચડી ગઈ, સદનસીબે દુર્ઘટના ટળી
ઉના–જૂનાગઢ–જામનગર રૂટની બસના ચાલકની સુઝબુઝથી મોટી દુર્ઘટના અટકી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળ બાયપાસ પર શુક્રવારે સવારે બનેલી એક અકસ્માતની ઘટનામાં એસટી બસનું આગળનું ડ્રાઇવર સાઇડનું ટાયર અચાનક ફાટી જતાં બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ ઘટનામાં કોઈ મુસાફરને જાનહાનિ કે ગંભીર ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યુ છે.
આ અકસ્માતની મળતી માહિતી મુજબ જામનગર ડેપોની એસટી બસ નં.GJ 18 ZT 2729 ઉના–જૂનાગઢ– જામનગર રૂટ પર નિયમિત સેવા આપતી હતી. સવારે આશરે 7:30 વાગ્યે બસ વેરાવળથી જામનગર તરફ જઈ રહેલ હતી. ત્યારે અત્રેના બાયપાસ પર આવેલા સોલંકી ટાયર નજીક પહોંચતા બસના ડ્રાઇવર સાઇડનું આગળનું ટાયર અચાનક જોરદાર ધડાકા સાથે ફાટી ગયું હતુ. જેથી સંતુલન ખોરવાઈ જતા બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. અચાનક થયેલા જોરદાર અવાજથી બસમાં બેસેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયેલ અને થોડા સમય માટે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે બસના ચાલકે ધીરજ ગુમાવ્યા વગર સ્ટિયરિંગ પર કાબુ રાખી બસને વધુ ગંભીર અકસ્માતથી બચાવી લીધી હતી.
આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતુ. બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે અન્ય બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ટાયર ફાટવું હોવાનું સામે આવ્યું છે. જોકે ટેક્નિકલ ખામી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે અંગે સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે. આ ઘટના બાદ થોડા સમય માટે વેરાવળ બાયપાસ પર વાહનવ્યવહાર ધીમો બનેલ પરંતુ તંત્ર દ્વારા સ્થિતિ ઝડપથી સામાન્ય બનાવી દેવામાં આવી હતી.
આ ઘટનાએ ફરી એકવાર જાહેર પરિવહનની બસોમાં નિયમિત ટેક્નિકલ ચકાસણી અને ટાયરની ગુણવત્તા અંગે સતર્ક રહેવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી મુસાફરો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


