સોમનાથ મંદિર નજીક સાગર દર્શન રોડ પર ગટર સફાઈ બાદ તુટેલું ઢાંકણું એક સપ્તાહથી ખુલ્લું!
પાલિકાની બેદરકારીભરી કામગીરી સામે યાત્રીકોમાં ઉગ્ર રોષ: શું અકસ્માત સર્જાવાની રાહ જુવો છો?
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
દેશભરના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલા સાગર દર્શન રોડ પર વેરાવળ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ગટર સફાઈની કામગીરી પૂર્ણ થયા બાદ ગટરનું ઢાંકણું યોગ્ય રીતે બંધ કરવામાં આવ્યું નથી. તૂટેલું ઢાંકણું બાજુમાં મૂકી દેવાતા છેલ્લા એક સપ્તાહથી ગટર ખુલ્લી હાલતમાં છે.જેના કારણે દરરોજ અહીંથી પસાર થતા યાત્રિકો અને સ્થાનિક લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખાસ કરીને રાત્રિના સમયે પ્રકાશ ઓછો હોવાના કારણે ખુલ્લી ગટર દેખાતી નથી અને અનેક યાત્રિકોના પગ તેમાં પડી જતા ઇજાગ્રસ્ત બન્યાની ફરિયાદો સામે આવી રહી છે. સોમનાથ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિના યાત્રાધામ નજીક આવી સ્થિતિ સર્જાતા શ્રદ્ધાળુઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સફાઈ કર્મચારીઓ નિયમિત રીતે ગટર સફાઈ માટે આવે છે પરંતુ સફાઈ પૂર્ણ થયા બાદ ખુલ્લી ગટરને સુરક્ષિત બનાવવા કે તૂટેલા ઢાંકણાની જગ્યાએ નવું ઢાંકણું મૂકવાની કોઈ કામગીરી કરવામાં આવતી નથી. પરિણામે ખુલ્લી ગટર સતત અકસ્માતનું કારણ બની રહી છે.
રહેવાસીઓએ જણાવ્યું હતું કે વેરાવળ-સોમનાથ જોડિયા શહેરમાં સફાઈની સમસ્યા, રખડતા પશુઓ અને આખલાઓનો ત્રાસ પહેલેથી જ યથાવત છે. અનેક વખત રજૂઆતો અને મીડિયા અહેવાલો છતાં માત્ર નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સ્થળ પર કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે નાગરિકો તેમજ સોમનાથ આવતા હજારો યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોમાં એવી પણ લાગણી વ્યક્ત થઈ રહી છે કે નગરપાલિકાનું બેદરકાર તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેમ વર્તી રહ્યું છે. લોકોનું કહેવું છે કે જો સમયસર ગટરનું ઢાંકણું લગાવી જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તો અકસ્માતો અટકાવી શકાય.
આ ઘટનાને લઈને સ્થાનિકોએ રાજ્ય સરકાર અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમજ સોમનાથ મંદિર આસપાસની તમામ જાહેર સુવિધાઓનું તાત્કાલિક નિરીક્ષણ કરી ખામીઓ દૂર કરવાની માંગ ઉઠાવી છે. યાત્રાધામની પ્રતિષ્ઠાને અનુરૂપ સુરક્ષા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી લોકમાગ પ્રબળ બની છે.


