દક્ષિણ ગુજરાતમાં મેઘપ્રલય
15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ
હજુ રેડ એલર્ટ જારી, શાળા-કોલેજોમાં રજા ; 150થી વધુ માર્ગો બંધ ; મધુબન ડેમમાંથી 99 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાયું ; અતિભારે વરસાદની આગાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તાંડવ મચાવતાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 173 તાલુકાઓમાં ઝાપટાથી લઈને અતિભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. હવામાન વિભાગે નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી આજે પણ અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
વલસાડ જિલ્લામાં કપરાડા ઉપરાંત નાનાપોંઢામાં 11.02 ઇંચ, પારડીમાં 9.37 ઇંચ, વલસાડ શહેરમાં 8.31 ઇંચ અને વાપીમાં 7.28 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં ચીખલીમાં 9.61 ઇંચ, વાંસદામાં 9.25 ઇંચ, ખેરગામમાં 7.91 ઇંચ અને ગણદેવીમાં 4.72 ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વાઘઈમાં 7.20 ઇંચ અને આહવામાં 5.04 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સુરત જિલ્લાના બારડોલીમાં 5.39 ઇંચ અને સુરત શહેરમાં 4.25 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
મુશળધાર વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડ જિલ્લામાં 150થી વધુ માર્ગો અને કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. વાપીના બંને મુખ્ય રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી, જ્યારે અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોને નુકસાન વેઠવું પડ્યું છે.
સતત વરસી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. સવારે ડેમમાં 1,02,166 ક્યુસેક પાણીની આવક નોંધાતા સત્તાવાળાઓએ ડેમના આઠ દરવાજા ખોલીને દમણગંગા નદીમાં 99,808 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે. પરિણામે દમણગંગા નદી બંને કાંઠે વહેતી થઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તથા એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક બચાવ દળોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રએ નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
કપરાડામાં સિઝનનો સૌથી ભારે વરસાદ
વલસાડ જિલ્લાના કપરાડામાં 15.63 ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર તાલુકો પાણીમાં ગરકાવ થઈ ગયો. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો અને માર્ગો પર પાણી ફરી વળ્યા.
નવસારી-વલસાડમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે નવસારી અને વલસાડ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
150થી વધુ માર્ગો પાણીમાં ડૂબ્યા
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે 150થી વધુ માર્ગો અને કોઝવે બંધ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
મધુબન ડેમમાંથી 99 હજાર ક્યુસેક પાણી છોડાયું
મધુબન ડેમમાં ભારે આવક થતાં ડેમના આઠ દરવાજા ખોલીને 99,808 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયું છે.
શાળા-કોલેજોમાં રજા, બચાવ દળો તૈનાત
નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની રેસ્ક્યૂ ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
વાપીમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી
વાપી શહેરના અનેક રો-હાઉસમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે નુકસાન થયું છે. બંને મુખ્ય રેલવે ગરનાળાં પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર લાંબા સમય સુધી બંધ રહ્યો.
આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક સપ્તાહ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


