કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે
30 ચપલા દારૂ અને મર્સીડીઝ કાર સહિત રૂ. 7.04 લાખનો મુદામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર-વેરાવળ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કાંગશીયાળી ગામ નજીકથી મર્સીડીઝ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતાં રાજકોટના એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 7,04,500નો મુદામાલ કબજે કર્યો છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, કાંગશીયાળી નજીક વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે શંકાસ્પદ લાગેલી મર્સીડીઝ કારને રોકી તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂના 30 ચપલા મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 4,500 હોવાનું જાણવા મળ્યું હતું.
આ મામલે કાર ચલાવતા રીકેશ મનસુખભાઈ બોડા (રહે. અંબિકા રોડ, કોર્ટ યાર્ડ બિલ્ડિંગ, બ્લોક નં. 1104, રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી મર્સીડીઝ કાર તથા દારૂ સહિત કુલ રૂ. 7,04,500નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ હાલ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.


