કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત
વાડીના રૂમમાં રમતી વખતે બની દુર્ઘટના; સારવાર છતાં જીવ બચી શક્યો નહીં
અગ્ર ગુજરાત, રાજકોટ
કોટડાસાંગાણી તાલુકાના સોળીયા ગામે એક હૃદયદ્રાવક અકસ્માતમાં સાડા ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત થતાં મજૂર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વાડીમાં આવેલા રૂમમાં રમતી વખતે બાળકના માથા પર ભારે લાકડાનું પાટિયું પડતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા ગામના રહેવાસી ઠાકુરભાઈ ચંગોડ છેલ્લા ચારથી પાંચ વર્ષથી સોળીયા ગામની એક વાડીમાં પરિવાર સાથે રહી મજૂરી કરે છે. તેમનો સાડા ત્રણ વર્ષનો પુત્ર દુર્ગેશ ગત 17 જુલાઈની સાંજે વાડીના રૂમમાં રમતો હતો. આ દરમિયાન તે લાકડાના ઘોડા પર ચડી રમી રહ્યો હતો. ઘોડા પર રાખવામાં આવેલું ભારે લાકડાનું પાટિયું સંતુલન બગડતાં સીધું તેના માથા પર પડ્યું હતું.
અકસ્માત બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત દુર્ગેશને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તેને બચાવવાના પ્રયાસો કર્યા છતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા કોટડાસાંગાણી પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દુર્ગેશ પરિવારનો એકમાત્ર દીકરો હતો અને તેને એક મોટી બહેન છે. એકના એક પુત્રના અકાળ અવસાનથી માતા-પિતા પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે વાડીમાં રહેતા અન્ય મજૂરોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.


